સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ

Surat Crime News : સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે રહેણાંક મકાનમાં ધમધમતા નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરાના ગુ.હા.બોર્ડની હરીઓમનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી બનાવટી નોટો, પ્રિન્ટર અને અન્ય સામગ્રી મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓ - મુળારામ મોતીરામ ચેરામારામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ, અને નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ (તમામ રહે. હરીઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનીટી હોલ, ગુ.હા.બોર્ડ, પાંડેસરા)ની ધરપકડ કરી છે.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 500ના દરની 3 નોટો, રૂ. 200ના દરની 3 નોટો અને રૂ. 100ના દરની 6 બનાવટી ચલણી નોટો મળીને કુલ 12 નકલી નોટો જપ્ત કરી છે. આ ઉપરાંત, નકલી નોટો બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.