ગુજરાતમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી: 19 વર્ષ અને 8 મહિનાની યુવતીને બનાવી દીધી સરપંચ
Image: IANS |
EC Major Lapse in Mehsana Panchayat Election: ગુજરાતમાં 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને 25 જૂને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ ચૂંટણી પરિણામને લઈને ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે. સામાન્ય રૂપે ચૂંટણી પંચની કામગીરી પર વિપક્ષ દ્વારા અવાર-નવાર પ્રશ્નો કરવામાં આવતા રહે છે. જોકે, તે પુરવાર થઈ શકતા નથી. આ વખતે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચની સામે આવા જ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જેમાં વયમર્યાદા ન ધરાવતી વ્યક્તિ ન ફક્ત ચૂંટણી લડી પરંતુ જીતીને સરપંચ પણ બની ગઈ. હાલ આ મુદ્દાને લઈને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
શું હતી ઘટના?
મહેસાણાના ગિલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની અફરોજબાનું નામની યુવતીને સરપંચ બનાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સરપંચ બનવા માટે 21 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે. કોઈપણ વ્યક્તિએ ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. નોંધનીય છે કે, યુવતીના આધારકાર્ડમાં 8 ડિસેમ્બર, 2004ની જન્મતારીખ લખેલી છે. જોકે, તેના LCમાં 7 જાન્યુઆરી, 2005ની જન્મતારીખ છે. જે મુજબ તેના 21 વર્ષ પૂરા નથી થતા. બંને દસ્તાવેજમાં અલગ-અલગ જન્મતારીખ હોવાથી આ મુદ્દે મૂંઝવણ ઊભી થઈ છે. યુવા સરપંચ સન્માન સમારોહમાં આ ભાંડો ભૂટ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચોરીઓ કરી ઉપદ્રવ મચાવનારી કીહોરી ગેંગ વડોદરામાંથી પકડાઈ
LC અને આધાર કાર્ડમાં અલગ-અલગ જન્મ તારીખ
જિલ્લા પંચાયત વિભાગ દ્વારા LC માંગતા આ માહિતી સામે આવી હતી. જોકે, હવે તંત્ર આ ઓછી વયમર્યાદા ધરાવતી સરપંચનું રાજીનામું લેવા માટેની કવાયત હાથ ધરી છે.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
મળતી માહિતી મુજબ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચનું સન્માન સમારોહનું આયોજન થવાનું છે. તે દરમિયાન યુવા સરપંચોની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જિલ્લા પંચાયતના પંચાયત વિભાગે જ્યારે યાદી તૈયાર કરવા માટે અફરોજબાનુંનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મંગાવ્યું ત્યારે આ આખો ભાંડો ફૂટ્યો હતો.
યુવતીએ રાજીનામું આપવાનો કર્યો ઈનકાર
નોંધનીય છે કે, યુવતીએ રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. તેણે કહ્યું કે, ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટેનું જે ફોર્મ હોય છે, તેમાં ક્યાંય જન્મ તારીખ નહતી માંગી તેમાં ફક્ત ઉંમરનો ઉલ્લેખ કરવાનો હતો, જે મેં કર્યો છે.'
ચૂંટણી પંચના અધિકારીઓ પર ઊભા થયા સવાલ
જોકે, હવે આ મામલે રિટર્નિંગ ઓફિસ પર પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. કારણ કે, કોઈપણ જે દસ્તાવેજ જમા કરવામાં આવે છે તેનું વેરિફિકેશન કરવું રિટર્નિંગ ઓફિસની જવાબદારી હોય છે.