સિરિયલ કિલર વિપુલની માતાએ કંટાળીને કહ્યું હતું કે જે કરવું હોય કરો, પીડિત વૈભવની માતાએ કહ્યું- ન્યાય થયો
Adalaj Psycho Killer Case : 'સાઇકો કિલર' તરીકે કુખ્યાત હત્યાના આરોપી વિપુલ પરમાર બુધવારે(24 સપ્ટેમ્બર) બપોરે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આરોપીએ અમદાવાદની બહાર અડાલજ નજીક ગુનાના રિકન્ટ્રક્શન દરમિયાન પોલીસ અધિકારીઓની ટીમ પર ગોળીબાર કર્યો હતો. લૂંટ અને હત્યાનો ભોગ બનેલા વૈભવના પરિવારે આરોપી વિપુલ પરમારના મૃત્યુ બાદ ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી છે. બીજી તરફ, આરોપી વિપુલના પોતાના પરિવારે આઠ વર્ષથી તેની સાથે સંબંધો તોડી નાખ્યા હોવાનું જણાવ્યું છે અને તેના માતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે તેને એવી કડક સજા મળવી જોઈએ કે તે ક્યારેય જેલમાંથી બહાર ન આવી શકે.
આ ઘટના બાદ ભોગ બનનાર વૈભવ અને આરોપી વિપુલના માતાના નિવેદનો સામે આવ્યા છે. આરોપી વિપુલ પરમાર સાથે તેના પરિવારજનોએ આઠ વર્ષથી સંબંધ તોડી નાખ્યો હતો. પરિવારે તો અખબારમાં જાહેરાત પણ આપી હતી કે તેમનો વિપુલ સાથે કોઈ સંબંધ નથી. પરિવારજનોએ જણાવ્યું કે તેના ખરાબ વર્તન અને હિંસક સ્વભાવને કારણે તેમણે વિપુલ સાથે સંબંધ કાપી નાખ્યો હતો.
આ પણ વાંચો: 'આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર', સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનું નિવેદન
સાયકોકિલરની માતાએ કહ્યું; 'તેના કર્મમાં એ જ લખ્યું હશે'
વિપુલના માતા કમળાબેને આ અંગે વાત કરતાં કહ્યું કે, 'વિપુલની સાથે જે કરવું હોય તે કરો. વિપુલને એવી સજા આપો કે તે ક્યારેય જેલમાંથી બહાર ન આવી શકે." તેમણે ઉમેર્યું કે વિપુલ પરિવારજનોને પણ ધમકી આપતો હતો અને ઘરમાં હથિયારો લાવતો હતો. વિપુલના મોતના સમાચાર સામે આવતા લૂંટ અને હત્યાનો ભોગ બનનાર વૈભવના માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા. વિપુલના માતાએ આ અંગે કહ્યું કે, 'તેના કર્મમાં એ જ લખ્યું હશે.'
બીજી તરફ, ભોગ બનનાર વૈભવના માતાએ કહ્યું કે, 'મારા દીકરાને ન્યાય મળી ગયો છે.' વૈભવના માતા-પિતાએ આ ઝડપી કાર્યવાહી માટે પોલીસનો પણ આભાર માન્યો હતો. આ ઘટનાએ સમાજમાં ગુનેગારના સ્વજનના મનમાં થતી ગૂંચવણ અને ભોગ બનનારના પરિવારની ન્યાય માટેની તડપને ઉજાગર કરી છે.
24 સપ્ટેમ્બર: સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાપુર કેનાલ પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલ પરમારે અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેમની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી. બંદૂક છીનવ્યા બાદ આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ જોતાં, પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સલામતી માટે પોલીસે સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ગોળીબાર કર્યો. પોલીસ અને આરોપી વચ્ચેના આ ઘર્ષણમાં ગોળી વાગતાં વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
23 સપ્ટેમ્બર: આરોપી વિપુલ પરમારની રાજકોટથી થઈ હતી ધરપકડ
આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ને સોંપવામાં આવી છે. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો દેખાય છે.
20 સપ્ટેમ્બર: વૈભવની હત્યા, યુવતી પણ ઈજાગ્રસ્ત
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન વિપુલ નામના સાઇકો કિલરે તેના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ને સોંપવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા મંગળવારે આરોપીને દબોચી લેવાયો હતો અને આજે(બુધવાર) સાઈકો કિલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.