'આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર', સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનું નિવેદન
Adalaj Case : ગાંધીનગર નજીક અડાલજમાં નર્મદા કેનાલ નજીક બનેલી લૂંટ વિથ મર્ડર કેસના સાઈકો કિલર આરોપી વિપુલ પરમારનું પોલીસે આજે બુધવારે (24 સપ્ટેમ્બર) એન્કાઉન્ટર કર્યુ છે. સમગ્ર બનાવ મામલે ગાંધીનગર પોલીસે નિવેદન આપ્યું છે.
સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે શું કહ્યું પોલીસ અધિકારીએ?
સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અડાલજની અંબાપુર કેનાલ પર ગત 20 સપ્ટેમ્બર, 2025ના રોજ આરોપીએ વૈભવ નામના વ્યક્તિને ચાકુ મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, યુવક સાથે રહેલી યુવતીને પણ ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ ગુનામાં વિપુલ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. શરૂઆતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ATS અને ગાંધીનગર પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો હતો.'
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આરોપીને આજે બુધવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પંચનામું કરવા માટે LCBની ટીમ લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી વિપુલ પરમાર દ્વારા પોલીસ અધિકારીનું હથિયાર છીનવીને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇજા થઈ હતી, અને આરોપી દ્વારા વેહિકલ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવામાં LCBના માણસો દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યુ હતું, જેમાં આરોપી વિપુલનું મોત થયું હતું. આરોપીનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મી રાજેન્દ્રસિંહને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો
પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસકર્મીને ડાબા હાથે ગોળી વાગી હતી. જ્યારે આરોપીને જાંઘના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી હતી. આરોપીએ હથિયાર ઝૂંટવી પોલીસની ગાડીનો દરવાજા અને ભાગતાં-ભાગતાં ફાયરિંગ કર્યું હતું. આરોપીની ડેડ બોડી બાબતે તેના સગાં સબંધીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.