લાફા કાંડમાં AAP ધારાસભ્યની ધરપકડ બાદ દેડીયાપાડામાં કલમ 144 લાગુ, પોલીસે કરી અપીલ
AAP MLA Chaitar Vasava Arrested: લાફા પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના સમર્થકો મોડી રાત સુધી રાજપીપળા એલસીબી ખાતે એકઠા થાય હતાં. જેને ધ્યાનમાં રાખીને દેડીયાપાડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે, જો કલમ 144નો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે.
શું છે મામલો
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
બીજી તરફ તાજેતરમાં જ મનેરગા કૌભાંડને ઉજાગર કરનારા ચૈતર વસાવાને એલસીબી ઓફિસ રાજપીપળા ખાતે લાવતા સમર્થકો ત્યાં ભેગા થયા છે. ટોળાને વિખેરવા માટે નર્મદા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. જોકે એલસીબી ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો થયો હતો. જેને લઈને નર્મદા પોલીસે એસઆરપીની એક ટુકડી રાજપીપળા એલસીબી ખાતે અને એક ટુકડી દેડીયાપાડા ખાતે તૈનાત કરી છે.
નર્મદા પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને દેડીયાપાડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આજે બપોર પછી ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટ ખાતે હાજર કરી શકે છે.