અમદાવાદના ચંડોળામાં આવતીકાલથી ડિમોલિશનનો બીજો તબક્કો, લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન
Demolition in Chandola area of Ahmedabad: અમદાવાદમાં આવતીકાલ (20 મે)થી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં 38 બુટલેગરો પર તવાઈ, સરકારે બુલડોઝર ફેરવી 50થી વધુ દબાણો દૂર કર્યા
અગાઉ 1.5 લાખ ચો.મી વિસ્તાર પરના દબાણો દૂર કરાયા
આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોલા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચો.મી. ગેરકાયદે બાંધકામ હટાવાશે
ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પાલિકાના અધિકારીઓનો અંદાજ છે કે આ વિસ્તારમાં જેટલી માત્રામાં હજુ દબાણ છે, તેને જોતા ડિમોલિશનમાં બે થી ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે: AMC
સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્થાપિત પરિવારોના પુનર્વસન માટે પણ જોગવાઈઓ કરવામાં આવી રહી છે, AMC આ અભિયાનથી અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવાની યોજના બનાવી રહી છે. AMC અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને સાફ કરવો એ માત્ર શહેરી વિકાસ માટે જ નહીં, પરંતુ મૂળિયાં જમાવી ચૂકેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
મહત્ત્વનું છે કે, વર્ષ 2025 માં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 250 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 207 ની ખાસ કરીને ચંડોલા તળાવની આસપાસથી અટકાયત કરવામાં આવી હતી. 200 થી વધુ વ્યક્તિઓને પહેલાથી જ દેશનિકાલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.