જામનગર પાલિકા દ્વારા શહેરની 155 જેટલા જર્જરિત મકાનોને સેઈફ સ્ટેજે લઈ જવા માટે રી-સર્વેની કામગીરી પૂરજોશમાં
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરિત ઇમારતો કે જેને સિફ સ્ટેજે લઈ જવા અથવા તો દૂર કરવા માટેની તાકીદની કાર્યવાહી ચાલી રહી છે, અને આવા તમામ જર્જરિત મકાનો વગેરેની રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, આસી. મ્યુનિ કમિંશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખાના ઇજનેર ઊર્મિલ દેસાઈ તેમજ અનિલ ભટ્ટની રાહબરી હેઠળ અલગ અલગ છ ટીમો બનાવી છે, અને ખાસ કરીને જૂના જામનગરના શહેરી વિસ્તારમાં તમામ ટુકડીઓને તાત્કાલિક અસરથી દોડતી કરી દેવાઇ છે.
ગત વર્ષની સરખામણીએ 208 જર્જરિત મકાનો કે જેના માલિકો વગેરેને પોતાની મિલકતો સેઈફ સ્ટેજે લઈ જવા માટેની સૂચના અપાઇ હતી, અને તે પૈકી કુલ 61 મકાનો રિપેર કરી લેવામાં આવ્યા છે, જયારે 147 મિલકતો હજુ જર્જરિત અવસ્થામાં છે, તે તમામ મિલકત ધારકોને સર્વે દરમિયાન ફરીથી નોટિસ પાઠવવામાં આવી છે, અને ચોમાસાની સિઝન પહેલા જ પોતાની મિલકતોને સેઇફ સ્ટેજે લઈ જવા અથવા તાત્કાલિક રીપેર કરવા અને જરૂર પડે તો તોડી પાડવા માટેની આખરી મહેતલ આપી દેવામાં આવી છે. હાલ તે સર્વે ચાલી રહ્યું છે. જેમાં આઠ નવી મિલકતો એવી જોવા મળી હતી, કે જે જર્જરિત અવસ્થામાં છે, તેના માલિકોને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે.
તાજેતરમાં વોર્ડ નંબર 10 માં એક મકાનની બાલકનીનો હિસ્સો ખૂબ જ જર્જરિત બની ગયો હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઇ હતી, અને તાત્કાલિક અસરથી મુખ્ય રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરી દઈ ઉપરોક્ત જર્જરિત બાલકનીનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાકીના અન્ય મકાનને સેઇફ સ્ટેજે લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં જોખમી મકાનો કે જેની મરામતની કાર્યવાહી હાથ નહિ ધરી લેવાય તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચોમાસા પહેલાં આવા ભયજનક મકાનોને દૂર કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવાશે.