કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની ધરપકડ

Surat News: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન(SDCA)ના પ્રમુખ 82 વર્ષીય કનૈયા કોન્ટ્રાક્ટરની આર્થિક ગુના નિવારણ સેલ (EOW) દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર આરોપોસર ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તમામ વચગાળાની રાહત રદ્દ કરાયા બાદ કરવામાં આવી છે.
જાણો શું છે મામલો
SDCAના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર પર તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેમણે આ મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને તેના પર ખોટી સહીઓ કરીને બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી 2.92 કરોડની લોન મેળવી હતી. લોન લીધા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ તેની સામે સુરત EOWમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
સુપ્રીમ કોર્ટે વચગાળાનું રક્ષણ પાછું ખેંચ્યું
કનૈયા કોન્ટ્રાક્ટરે ધરપકડ ટાળવા માટે સુરત સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ ત્રણેય જગ્યાએ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને છ અઠવાડિયામાં પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો કડક આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે 'જો રૂપિયા ભરવામાં કસૂરવાર થશો તો જેલમાં જવાની તૈયારી રાખજો.'
જો કે, કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ દસ્તાવેજો પરત કર્યાં નહોતા. આ અંગે ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરી તેમની ગુનાહિત માનસિકતા રજૂ કરી. આખરે, સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ્દ કરી દીધી હતી અને અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા સુરત ઈકો સેલે કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.

