બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધીનો દંડ!

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે સામાજિક શિસ્ત અને શાંતિ જાળવવા માટે ગામના વડીલો અને ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજીને કેટલાક કડક નીતિ-નિયમો લાગુ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે. ગામમાં વધી રહેલી કેટલીક સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે, જેનું પાલન કરવું દરેક ગ્રામજન માટે ફરજિયાત રહેશે.
ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો ગામમાંથી કોઈ યુવક કે યુવતી ભાગી જાય, તો તેના પરિવાર સાથે ગામનો કોઈ પણ વ્યક્તિ વ્યવહાર કે સંબંધ નહીં રાખે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર અને ભાગી જનારના પરિવાર સાથે સંબંધ રાખનાર વ્યક્તિ પર ₹1 લાખનો મોટો દંડ ફટકારવામાં આવશે. ગામમાં કોઈપણ પ્રકારના સામાજિક પ્રસંગે (લગ્ન, સગાઈ, કે અન્ય) ડીજે (DJ) વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વધતા જતા વ્યસન અને નશાખોરીથી યુવાનોને બચાવવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામમાં જો કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતા પકડાશે, તો તેના પર ₹51,000નો દંડ વસૂલવામાં આવશે.
નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી
ગ્રામજનોએ સ્પષ્ટ નિર્ણય લીધો છે કે જે વ્યક્તિ આ નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરશે, તેની સાથે ગામવાસીઓ તમામ પ્રકારના સામાજિક અને વ્યાપારી લેવડદેવડ સંપૂર્ણપણે બંધ કરી દેશે. ગોઢ ગામના સ્થાનિકોનો આ મોટો નિર્ણય અન્ય ગામો માટે પણ સામાજિક સુધારાની દિશામાં એક દાખલારૂપ પગલું બની શકે છે.

