વેડરોડની આનંદપાર્ક સોસાયટીમાં કોરોના અંગે મિટિંગમાં કટાક્ષમાં વાત કરતા યુવાનને ઠપકો અપાતા બખેડો
તારે શું લેવા દેવા છે, હું ગમે તેમ બોલું કહી અન્ય યુવાનને ધક્કો મારી ગાલ પર મુક્કો મારી દીધો
સુરત,તા.18 જુલાઈ,2020,શનિવાર
વેડરોડની આનંદપાર્ક સોસાયટીમાં કોરોના અંગે
લોકોમાં જાગૃતિ માટે એક મીટીંગમાં કટાક્ષમાં વાત કરતા યુવાનને ઠપકો અપાતા તેણે
અન્ય યુવાન સાથે માથાકૂટ કરી મુક્કો મારી દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસ
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં કતારગામ
મગનનગર સોસાયટી ચિંતામણી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.303 માં રહેતો 32
વર્ષીય અરવિંદ તુકારામ મોરે કન્સ્ટ્રક્શન લાઈનમાં મજૂરી કામ કરે છે. છેલ્લા કેટલાક
દિવસોથી સુરતમાં અને ખાસ કરીને કતારગામ વિસ્તારમાં કોરોનાના કેસો વધતા લોકોમાં જાગૃતિ
લાવવા માટે ગતસાંજે તેમની સોસાયટીમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં વેડરોડની ત્રિલોક સોસાયટીમાં રહેતો કિર્તેશ પાટીલ પણ હાજર હતો. મીટીંગમાં
લોકોએ સલાહ સૂચન કર્યા તે સમયે કિર્તેશ કટાક્ષમાં બોલતો હતો. ત્યાર બાદ તમામ
સોસાયટીમાં નિરીક્ષણ માટે ગયા અને ત્યાં પણ સલાહ સૂચન આપતા હતા ત્યારે પણ કિર્તેશે
કટાક્ષમાં જ બોલવાનું ચાલુ રાખ્યું હતું.
આથી અરવિંદે તેને ઠપકો આપ્યો હતો. પરિણામે કિર્તેશે તારે શું લેવા દેવા છે હું ગમે તેમ બોલું કહી અરવિંદને ધક્કો મારી ગાલના ભાગે મુક્કો માર્યો હતો. અરવિંદ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ અંગે અરવિંદે ચોકબજાર પોલીસ મથકમાં કિર્તેશ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.