નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, શાળાઓમાં રજા જાહેર કરાઈ
Images Sourse: 'X' |
Rain in Navsari: હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન નવસારી જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે, નવસારી, જલાલપોર, વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે (સાતમી જુલાઈ) નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે.
પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારમે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે, શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તરમાં વધારો થયો છે, અને નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પ્રશાસને નિર્ણય લીધો હતો.
ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ત્યારે નવસારી શહેર અને ગણદેવીમાંથી સલામતીના ભાગરૂપે 520 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (સાતમી જુલાઈ) નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં સિઝનનો 47 ટકા વરસાદ
ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.