'મેને તેરે લિયે બંદૂક લી હૈ..' વાઘોડિયાની સ્કૂલના પ્રિન્સિપાલના વોર્ડન સાથે આડા સંબંધના વહેમમાં પતિની ધમકી
AI Image |
Vadodara News : વડોદરાના વાઘોડિયા તાલુકાના ગજાદરા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકામાં વોર્ડનના પતિએ પ્રિન્સિપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. વોર્ડન પત્નનીનો પતિ સ્કૂલ કેમ્પસ બહાર દારૂ પીને બુમાબુમ કરતો હોવાથી પત્નીએ પોલીસને બોલાવી હતી. સમગ્ર મામલે પ્રિન્સિપાલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વોર્ડનના પતિ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રિન્સિપાલ સાથે વોર્ડનના આડા સંબંધના વહેમમાં પતિએ આપી ધમકી
મળતી માહિતી મુજબ, વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ સ્કૂલના પ્રિન્સિપાલ સચિન રામઅવતાર ત્યાગીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'હું છેલ્લા એક વર્ષથી સ્કૂલમાં ફરજ બજાવું છું. તેમજ સ્કૂલના ક્વાટર્સમાં મારી પત્ની સાથે રહું છું. જ્યારે શાળાના કેમ્પસમાં વોર્ડનમાં કામ કરતાં કવિતા શર્મા તેમના પતિ મનોહર સાથે કેમ્પસમાં રહેતા હતા. જ્યારે કોઈ કારણોસર છેલ્લા આઠ માસથી વોર્ડન અને તેમના પતિ વચ્ચે ઝઘડા થતાં હતા. જેથી શાળાના બાળકો ઉપર તેની અસર થતી હોવાથી વોર્ડન કવિતાના પતિ મનોહરને કેમ્પસમાં રહેવા પર પ્રતિબંધ લગાવી શાળામાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.'
મનોહર પોતાની પત્ની સાથે પ્રિન્સિપાલના આડા સંબંધો હોવાનો વહેમ રાખતો હતો. પ્રિન્સિપાલનું કહેવું છે કે, '29 એપ્રિલ, 2025ના રોજ સવારે હું ક્વાટર્સમાંથી શાળા તરફ જઈ રહ્યો હતો, ત્યારે શાળાના મુખ્ય ગેટ પાસે મનોહર બૂમાબૂમ કરતો હતો. પરંતુ સમય થતાં હું ઓફિસે જતો રહ્યો હતો. ત્યારબાદ બપોરે 2:00 વાગે મનોહર નશો કરેલી હાલતમાં ગેટ પાસે આવી બોલાચાલી કરતો હતો. જેથી મનોહરની પત્ની કવિતાએ ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી. આ પછી 30 એપ્રિલના રોજના સવારે 9:00 વાગે મનોહર ગેટ પાસે બુમાબુમ કરતો હતો, ત્યારબાદ બપોરે મને ફોન કરીને 'તુજે તો મેં આજ ખતમ કર દુંગા, મેને તેરે લિયે બંદૂક લી હૈ... આજ તો તું ગયા...' કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો.' સમગ્ર મામલે પ્રિન્સિપાલે વોર્ડનના પતિ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.