Get The App

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 1 - image


Gujarat weather : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે (4 મે, 2025) રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સોમવારે ગુજરાતભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે  સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદનું વાતાવરણ અચાનક પલટાયું છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે અને છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની સાથે કરા પડ્યા છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ, કેરી, ટેટી સહિતના પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. 

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 2 - image

અમદાવાદના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઊડી ધૂળની ડમરી

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો છે. જેમાં આજે સોમવારે (5 મે, 2025) અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. હવામાનની આગાહીને પગલે જાણે વાવાઝોડું જેવી સ્થિતિ ઊભી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે શહેરના એસજી હાઈવે, નારણપુરા, ઈસ્કોન સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી હોવાનું સામે આવ્યું છે.  

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 3 - image

અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે 63 ટકા, બુધવારે 70 ટકા, ગુરૂવારે 43 ટકા, શુક્રવાર-શનિવારે 40 ટકા જેટલી વરસાદની સંભાવના છે.


અમદાવાદમાં છૂટાછવાયા કમોસમી વરસાદ સાથે પડ્યા કરા


અમદાવાદના આ વિસ્તારમાં વૃક્ષ પડી ગયા

- ઉસ્માનપુરા હોટેલ હયાત

- આંબલી રેલવે સ્ટેશન, થલતેજ

- રાજપુર, મગન કુમારની ચાલી, ગોમતીપુર

- મીઠાખડી પાસપોર્ટ ઓફિસ, નવરંગપુરા

- કાંકરીયા એકા ક્લબ, મણિનગર

- ચમનપુરા અસારવા, નરોડા

- પકવાન ક્રોસ રોડ, બોડકદેવ

- ચંદ્રલોક ટાવર, પટેલ ડેરી શાહીબાગ સામે, શાહપુર

- ચાંદખેડા આઈઓસી રોડ, ચાંદખેડા

- અપ્સરા સિનેમા કાંકરિયા, મણિનગર

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 4 - image

ભાવનગરમાં વીજળી પડતા દિવાલ ધરાશય

ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘગર્જના અને કરા સાથે કમોસમી વરસાદ થતાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે

ખેડામાં ભારે પવનને પગલે આંબા પરથી કેરી ખરી પડી

ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 5 - image

રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ખેડાના અનેક વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાથી વાહન વ્યવહારને અસર પહોંચી છે.

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 6 - image

પંચમહાલમાં મહુડાનું વૃક્ષ ધરાશય 

પંચમહાલ જિલ્લાના શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ શરૂ થતાં વીજળી ગૂલ થઈ હતી. જ્યારે મોરવાહડફ વિસ્તારમાં પણ આજે સોમવારની મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. મોરવાહડફ પંથકમાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડામાં મોરવાહડફ ચોકડી પાસેથી પતંગડી કેશરપુરા તરફના રસ્તા પર મહુડાનું વૃક્ષ ધરાશય થયું હતું. જેને લઈને અવર-જવરનો રસ્તો પણ બંધ થયો હતો.

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું 7 - image

કુદરતી દુર્ઘટનામાં રાજ્યમાં 6ના મોત

રાજ્યમાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારોમાં કરા સાથે માવઠું થયું હતું. જ્યારે કમોસમી વરસાદ, વીજળી અને ભારે પવન ફૂંકાતા કુદરતી દુર્ઘટનાથી રાજ્યમાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદમાં ધૂળની ડમરી સાથે ભારે ફૂંકાવવાની કારણે રિક્ષા પર હોર્ડિગ પડી જતા એકનું મોત નીપજ્યું હતું. વડોદરામાં વીજ તાર અને ઈમારતનો કાટમાળ પડતા 3ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અરવલ્લીમાં વીજળી પડવાથી 2ના મોત થયા હતા.

આગામી 5 દિવસ ક્યાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી?

તારીખ 5  મે  : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, કચ્છ. 

6 થી 9 મે : પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવ. 


Tags :