કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: 'અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?' કોંગ્રેસનો સરકારને સવાલ

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. નવી કેબિનેટની રચનામાં જૂની ટીમમાંથી 9 જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, જેમાંથી અનેક દિગ્ગજોને તેમના મંત્રાલય સંબંધિત કૌભાંડો, વ્યક્તિગત વિવાદો કે પછી પુત્રના કારનામા નડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
નવા મંત્રીમંડળની જાહેરાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, "ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની ફરિયાદો હોવા છતાં અઢી વર્ષ સુધી આ મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. હવે કૌભાંડો બહાર આવ્યા બાદ નવા મંત્રીમંડળના નામે જૂના ભ્રષ્ટાચારો પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
આ મંત્રીઓને નડ્યા વિવાદ
1. બચુ ખાબડ: 'કૌભાંડી' પુત્રોની કરતૂત નડી
દાહોદ જિલ્લાના મંત્રી બચુ ખાબડનું મંત્રી પદ ગુમાવવા પાછળ તેમના પુત્રોની કથિત સંડોવણી મુખ્ય કારણ માનવામાં આવે છે. વિપક્ષના આક્ષેપ મુજબ, ખાબડના મંત્રીપદના જોરે તેમના પુત્રો (બળવંત ખાબડ અને કિરણ ખાબડ)એ મનરેગા (MNREGA) હેઠળ લાખો-કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. મંત્રી પુત્રો પર આરોપ છે કે તેમણે ગરીબ આદિવાસીઓને મજૂરી આપવાને બદલે માત્ર કાગળ પર જ મટિરિયલ્સ સપ્લાય કરી પૈસા સેરવવામાં આવ્યા.
છેલ્લા 10 વર્ષથી મંત્રી પુત્રોની એજન્સીઓને જ માટી, કપચી સહિતના મટિરિયલ્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના હંગામા બાદ આ સમગ્ર કૌભાંડ ચર્ચામાં આવ્યું હતું.
2. મુકેશ પટેલ: બોગસ હથિયાર લાયસન્સમાં પુત્રનું નામ
દક્ષિણ ગુજરાતમાં ઓલપાડના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહેલા મુકેશ પટેલના કિસ્સામાં તેમના પુત્ર વિશાલ પટેલનું નામ વિવાદમાં આવ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા બોગસ હથિયારના લાયસન્સ મામલે તેમનું નામ સામે આવ્યું. મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલૅન્ડમાંથી હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું અને તેને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે, જેનાથી તેમની રાજકીય કારકિર્દી પર વિવાદનું ગ્રહણ લાગ્યું છે.
3. ભીખુસિંહ પરમાર: BZ કૌભાંડના સૂત્રધાર સાથે કથિત સંબંધ
ભીખુસિંહ પરમારનું મંત્રીપદ છીનવાવા પાછળ કરોડો રૂપિયાના બી.ઝેડ. (BZ) કૌભાંડનો રેલો કારણભૂત માનવામાં આવે છે. સાબરકાંઠા-અરવલ્લીથી છેક ગાંધીનગર સુધી પહોંચેલા પોન્ઝી સ્કિમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે ભીખુસિંહના પુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો હોવાની ચર્ચા છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપને પણ મોટું ફંડ આપ્યું હોવાના ગંભીર આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો 'પાવર'
અન્ય નેતાઓના વિવાદો
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ સિવાય બળવંતસિંહ રાજપૂત (કથિત GIDC કૌભાંડ), રાઘવજી પટેલ પર પણ વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જોકે, ભાજપ દ્વારા આ મંત્રીઓને પડતા મૂકવા પાછળનું સત્તાવાર કારણ સંગઠનમાં કામગીરી કે નવા ચહેરાઓને તક આપવાનું ગણાવવામાં આવી રહ્યું છે.
આ મોટા ફેરફારો દર્શાવે છે કે, 2027ની ચૂંટણી પહેલાં ભાજપ ભ્રષ્ટાચારના આક્ષેપો ધરાવતા નેતાઓને દૂર કરીને ક્લિન ઇમેજ સાથે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.