અમરેલી: યુરિયા સાથે અન્ય ખાતર ફરજિયાત આપવાનો વિવાદ, ખરીદ-વેચાણ સંઘનું લાઇસન્સ રદ
Amreli News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખરીદ-વેચાણ સંઘમાં યુરિયા ખાતર સાથે અન્ય ખાતર આપવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે સંઘનું ખાતર વેચાણ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ ખેડૂતો અને કૃષિ વિભાગમાં ચર્ચા જગાવી છે.
યુરિયા સાથે અન્ય ખાતર ફરજિયાત આપવાનો વિવાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, સિમરરણ ગામના ખેડૂત ભરત ચોવડિયાએ 30 જૂનના રોજ અમરેલીના ખેતીવાડી નાયબ નિયામક સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાવરકુંડલા તાલુકા ખરીદ-વેચાણ સંઘ દ્વારા યુરિયા ખાતરની સાથે અન્ય ખાતર પણ ફરજિયાતપણે આપવામાં આવી રહ્યું છે.
આ ફરિયાદને ગંભીરતાથી લઈને ખેતીવાડી નાયબ નિયામકે પ્રારંભિક તપાસ હાથ ધરી હતી અને તેના આધારે તાલુકા ખરીદ-વેચાણ સંઘનું લાઇસન્સ 15 દિવસ માટે મોકૂફ રાખવાનો આદેશ કર્યો હતો.
જોકે, લાઇસન્સ મોકૂફ રાખવામાં આવ્યા છતાં સંઘના વિક્રેતા દ્વારા ખાતરનું વેચાણ ચાલુ રાખીને કાયદાનો ભંગ કર્યો હતો. આ બાબત ખેડૂત ભરત ચોવડિયાના ધ્યાનમાં આવતા તેમણે ફરીવાર નાયબ ખેતી નિયામક સમક્ષ ફરિયાદ કરી હતી.
આ બીજી ફરિયાદના આધારે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવ્યા. તેમણે ખરીદ-વેચાણ સંઘનું ખાતર વેચાણ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ સંઘમાં રહેલા ખાતરના સ્ટોકનો જથ્થો આગામી 30 દિવસમાં નિકાલ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.