Get The App

જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો 1 - image


પ્રતીકાત્મક તસવીર 

Saurashtra News: ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં સિંહ-દીપડાની લટાર અને હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. દિન-પ્રતિદિન જંગલી પ્રાણીઓ ગામમાં ઘૂસી પશુઓ અને લોકો પરના હુમલો પણ કરે છે. ત્યારે જૂનાગઢના માળિના હાટીના પીપળવા ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બાઈક લઈને જતા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેના કારણે ખેડૂતને ઈજા પહોંચી છે. હાલ, ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

ગીરગઢડામાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો

તો બીજી તરફ ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો હતો. બાળકી ઘરના ફળિયામાં રમી રહી હતી. પરંતુ સદનસીબે બાળકીના મામા જોઈ જતાં તેમણે દીપડા પાછળ દોટ મૂકી હતી અને દીપડાને ભગાડી મૂક્યો હતો. મામાની સતર્કતા અને હિંમતના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીને માથાના ભાગે તેમજ ડાબી બાજુ કમરના ભાગે ઈજાઓ થઈ છે પણ હાલ સ્થિતિ સુધારા પર છે.

લોકોમાં ડરનો માહોલ

નવા ઉગલા ગામે બનેલી ઘટના અંગે બાળકીના મામાએ કહ્યું હતું કે, 'અમારા ફળિયામાં છોકરા રમતા હતા ત્યારે દીપડાએ એટેક કર્યો હતો, બાળકીને માથાના ભાગે પકડી તે ભાગી રહ્યો હતો. ત્યારે તેની પાછળ બૂમાબૂમ કરી ભાગ્યો હતો જે બાદ તેણે બાળકીને છોડી મૂકી હતી. પછી અમે વન વિભાગને જાણ કરી હતી.' છેલ્લા 24 કલાકમાં દીપડા દ્વારા બે અલગ અલગ વિસ્તારમાં હુમલા થતાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વન વિભાગની ટીમો હાલ હિંસક બનેલા દીપડાઓને પકડવા પાંજરા મૂકી જરૂરી પગલાં લઈ રહી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે?

ગીરમાં કરુણ ઘટના: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વાગી જતાં વનકર્મીનું મોત

અન્ય એક ઘટનામાં વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરત રૂઠી હોય તેવી ઘટના બની હતી. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગના ટ્રેકરને વાગતા, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ થયું. ગીરના ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે.

રવિવારે વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના શિવમ નામના બાળકને સિંહણે ફાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ માનવભક્ષી સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણની લોકેશન મળતાં જ તેને બેભાન (Tranquilize) કરવા માટે વનકર્મીઓ દ્વારા ગન ચલાવવામાં આવી હતી. જોકે, કમનસીબે આ ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન સિંહણને લાગવાને બદલે ત્યાં હાજર વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગી ગયું હતું. સામાન્ય રીતે સિંહ જેવા જંગલી જાનવરને બેભાન કરવા માટે આપવામાં આવતા ડોઝની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ભારે માત્રાનું ઇન્જેક્શન શરીરમાં પ્રવેશી જતાં અશરફભાઈની તબિયત તુરંત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રવિવારે રાતથી જ અશરફભાઈની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોની ભારે જહેમત છતાં, આજે વહેલી સવારે તેમણે દમ તોડ્યો હતો.