પોલીસે સતત ૧૮ કલાક સુધી વાહનમા પીછો કરીને અપહ્યત બાળકને બચાવ્યું
અઢી વર્ષના બાળકના અપહરણનો મામલો
સરખેજ પોલીસે અપહરણ કરી ફરાર થઇ જનાર કૌટુંબિક ભાભી અને તેના પ્રેમીની પણ ધરપકડ કરી

અમદાવાદ,સોમવાર
શહેરના શાંતિપુરા આંબલી વિસ્તારમાં રહેતા એક પરિવારના અઢી વર્ષના બાળકનું પરિવારની જ કૌટુંબિક ભાભીએ અપહરણ કર્યાની ઘટના બની હતી. જે બાળકને લઇને તેના પ્રેમી સાથે ગૌતમબુધ્ધનગર જિલ્લા પહોંચી ગઇ હતી. જો કે પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરીને સતત ૧૮ કલાક સુધી કાર ચલાવીને બાળક સુધી પહોંચીને તેને બચાવીને અપહરણ કરનાર મહિલા અને તેના પ્રેમીને ઝડપી લીધા હતા. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે આંબલી શાંતિપુરામાં રહેતા રાહુલ ચુનારાના અઢી વર્ષના પુત્ર અભિમન્યુનું અપહરણ કરીને તેમની કૌટુંબિક ભાભી મનીષા ચુનારા ફરાર થઇ ગઇ હતી. આ અંગે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ બનાવને ગંભીરતાથી લઇને પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુળિયાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મનીષા તેના નજીકમાં રહેતા હેંમત ચૌધરી, સંજય ચૌધરી સાથે ફરાર થઇ ગઇ હતી. જેથી પોલીસે એક ટીમ તૈયાર કરીને ટેકનીકલ એનાસીલીસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મોબાઇલ લોકેશનના આધારે પોલીસે સતત ૧૮ કલાક સુધી વાહન ચલાવીને પીછો કરીને ગૌતમબુધ્ધનગર જિલ્લામાંથી મનીષા, હેંમત અને સંજયને ઝડપીને બાળકને છોડાવ્યો હતો. આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે રાહુલની પત્ની પ્રેગનન્ટ હોવાથી નજીકમાં રહેતી મનીષા અભિમન્યુને સાચવતી હતી. જો કે તેને હેંમત સાથે પ્રેમસંબધ હોવાથી તે ગત ૧૭મી ડિસેમ્બરના રોજ સવારે તે હેેંમત અને સંજય સાથે અભિમન્યુને લઇને ફરાર થઇ ગઇ હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

