Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મટોડા ગામે આજે(6 જાન્યુઆરી) એક મોટી પર્યાવરણીય હોનારત સામે આવી છે. ગામના મુખ્ય તળાવમાં ઓચિંતા હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે માછલીઓના ઢગલા જોવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તળાવ કિનારે મૃત માછલીઓના ઢગ
મટોડા ગામના લોકોનો સીધો આક્ષેપ છે કે આસપાસની ઔદ્યોગિક વસાહતો દ્વારા રાત્રિના અંધકારમાં કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવમાં છોડવામાં આવે છે. આ ઝેરી પાણીના કારણે તળાવનું ઓક્સિજન સ્તર ઘટી ગયું છે અથવા પાણીમાં ભળેલા ઝેરી તત્વોને લીધે માછલીઓના સામૂહિક મોત થયા છે. આજે સવારે જ્યારે ગ્રામજનો તળાવ પાસે પહોંચ્યા ત્યારે હજારો માછલીઓ મૃત હાલતમાં પાણી પર તરતી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે.
અગાઉ પણ બનેલી છે આવી ઘટના
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેક વખત આ પ્રકારે તળાવમાં માછલીઓના મોત થઈ ચૂક્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, પરિણામે ઉદ્યોગપતિઓ બેફામ બનીને પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે.
ગામના સ્થાનિક રહીશ
'અમારા ગામનું તળાવ વર્ષોથી પશુઓ અને પર્યાવરણ માટે જીવાદોરી સમાન છે, પરંતુ કેમિકલના કારણે આજે આ તળાવ માછલીઓ માટે સ્મશાન બની ગયું છે. તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે, વાસ્તવિકતામાં કોઈ તપાસ થતી નથી'
GPCB પાસે કડક કાર્યવાહીની માંગ
આ ઘટનાને પગલે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. ગામ લોકોની મુખ્ય માંગણીઓ છે જેમાં તળાવના પાણીના સેમ્પલ લઈ તાત્કાલિક લેબ ટેસ્ટ કરવામાં આવે. ઝેરી પાણી છોડનારા એકમોની ઓળખ કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર દ્વારા આ મામલે ક્યારે તપાસ હાથ ધરવામાં આવે છે કે પછી દર વખતની જેમ આ મામલો પણ દબાવી દેવામાં આવશે.


