Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક મોટી કાર્યવાહી કરતા નરોડા-મુઠિયા રોડ પરથી આશરે 2 કિલો ચરસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નશાના કાળા કારોબારમાં શહેરનો એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પણ સંડોવાયેલો હતો.
આરોપી શારીરિક રીતે વિકલાંગ
SOGની ટીમે બાતમીના આધારે નરોડા-મુઠિયા ગામના રોડ પર દરોડો પાડીને અજય ઉર્ફે બાદશાહ બઘેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. અજય શારીરિક રીતે વિકલાંગ છે અને તેના જમણા પગમાં તકલીફ છે. તેની પાસેથી 1.872 કિલો ચરસ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી.
પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી
આરોપી અજયની પૂછપરછ દરમિયાન SOGને જાણવા મળ્યું કે જપ્ત કરાયેલા ચરસનો એક ભાગ E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષસિંહને પહોંચાડવાનો હતો. તપાસમાં સામે આવ્યું કે શૈલેષસિંહ આ ગેરકાયદે વેપારમાં સીધી રીતે સામેલ હતો. SOG એ તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ શૈલેષસિંહ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ખાતાકીય તપાસ બેસાડી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ સામે ખાતાકીય તપાસ અને કડક પગલાં લેવામાં આવશે. આ કેસમાં અન્ય કોઈ પોલીસકર્મીઓ કે મોટા ડ્રગ માફિયાઓ સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.


