Get The App

સાણંદના કલાણામાં 'એકબીજાની સામે જોવા'ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
સાણંદના કલાણામાં 'એકબીજાની સામે જોવા'ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ 1 - image


Rioting in Kalana village Sanand: અમદાવાદના સાણંદ પાસે આવેલા કલાણા ગામમાં સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ થાય છે કે આ વિવાદની શરૂઆત સગીર વયના યુવકો અને આરોપીઓ વચ્ચે 'એકબીજાની સામે જોવા' જેવી સામાન્ય બાબતે થઈ હતી. કલાણા ગામના તળાવ પાસે શાહરૂખ પઠાણ નામના શખ્સ અને એક સગીર વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બન્યો હતો અને બંને જૂથો આમને-સામને આવી જઈ પથ્થરમારો શરૂ થયો હતો, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

25 આરોપીઓની ધરપકડ

આ ઘટના બાદ સાણંદ GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કુલ 60 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. સઘન તપાસ અને પૂછપરછ બાદ પોલીસે 3 મહિલાઓ સહિત કુલ 25 લોકોની વિધિવત ધરપકડ કરી છે, જેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા 25 આરોપીઓ પૈકી 5 આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત ત્રીજા દિવસે પણ પોલીસનું કોમ્બિંગ ચાલુ છે, જેમાં 1 DYSP, 5 PI અને 8 PSI સહિત 100 જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, સેન્ટિંગ પાટા પરથી પટકાતા 2 શ્રમિકના મોત, એકને ઈજા

તળાવ પાસે સામાન્ય બોલાચાલી બાદ આ જૂથ અથડામણ થઈ: અમદાવાદ ગ્રામ્ય SP

અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તળાવ પાસે સામાન્ય બોલાચાલી બાદ આ જૂથ અથડામણ થઈ હતી અને વીડિયો પુરાવાઓને આધારે તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓમાંથી કેટલાક રીઢા ગુનેગાર છે અને ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.