સૌરાષ્ટ્રમાં દૂધ-ચાનું વેચાણ ખોરવાયું, દૂધ ઢોળી નાંખ્યું તો ક્યાંક ફ્રી વિતરણ


કાયદો પરત ખેંચ્યા ૫ૂર્વે હડતાળ પરત નહીં ખેંચાતા લોકોને હેરાનગતિ : રાજકોટમાં દૂધ ઢોળનારાને રોકવા માલધારી નેતાએ અપીલ કરીઃ એરપોર્ટ  રોડ ડેરીમાં તોડફોડ કરાતા ગુનો નોંધાયો, સહકારી સંઘના વાહનો રોકાયા : જામજોધપુરમાં માલધારીના ટોળાએ દુકાનમાં તોડફોડ કરી,દૂધ ઉપરાંત આઈસ્ક્રીમના થેલા રોડ પર ફેંકી દીધા  : પોરબંદરમાં શ્વાનો,ગાયોને દૂધ અપાયું, જામનગરમાં દૂધની આવક અટકાવાઈ,ડેરીનું દૂધ ઢોળી નંખાયું

રાજકોટ, : સરકારે આજે બપોરે ઢોર નિયંત્રણ પાછો ખેંચ્યો પરંતુ, તે પાછો ખેંચાશે તેવો ગત રાત્રિ સુધીમાં માલધારી સમાજને વિશ્વાસ નહીં મળતા આજે પૂર્વનિર્ધારિત તા. 21 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રભરમાં માલધારી સમાજે મક્કમતા અને બળપ્રયોગ સાથે દૂધનું વિતરણ તેમજ ચાની હોટલો,દુકાનો,ગલ્લા સજ્જડ બંધ રાખતા લોકોને, ચાના પ્યાસીઓને ભારે હેરાનગતિ થઈ હતી.માલધારીઓએ ક્યાંક દૂધનું ગરીબો,દર્દીઓને નિઃશૂલ્ક વિતરણ કર્યું તો ક્યાંક તોફાની ટોળાઓએ દૂધના વાહનો અટકાવી ઠેરઠેર દૂધ ઢોળી નાંખ્યું હતું અને ખુદ પ્રબુધ્ધ માલધારી નેતાઓએ આવો વ્યય નહીં કરવા અપીલ કરવી પડી હતી.સૌરાષ્ટ્રમાં આજે દૂધ વિતરણ સજ્જડ બંધ રહેવાનો જેને અણસાર આવ્યો તે લોકોએ તો ગત રાત્રિના જ દૂધ ખરીદીને સ્ટોર કરવા ડેરીઓએ કતારો લગાવી હતી. તો બજારની ચા પીવાના શોખીનોને આજે ઘરની ચાથી ચલાવવું પડયું હતું. 

રાજકોટના કાલાવડ રોડ પર મેટોડાના પાટિયા પાસે રાજકોટ સહકારી સંઘનું દૂધ ભરેલું ટેન્કર પસાર થતું હતું તેને માલધારીઓના ટોળાએ આંતર્યું હતું અને ટેન્કર પર કબજો કરીને તેનો વાલ્વ ખોલી નાંખીને દૂધનો ધોધ રસ્તા પર વહાવડાવ્યો હતો અને ત્યાં માલધારી યુવાનોએ ફોટા પાડીને સેલ્ફી પણ લીધી હતી. સોખડા પાસે હાઈવે પર દૂધના મોટા કેન સાથે પસાર થતા વાહનને ટોળાએ અટકાવીને કેન ઉંધા વાળીને હજારો લિટર દૂધ રસ્તા પર ઢોળી નાંખ્યું હતું. આવા અહેવાલૅોથી વ્યથિત માલધારી અગ્રણી રણજીત મુંધવાએ સોશ્યલ મિડીયામાં એવી અપીલ કરી હતી કે રોડ પર દૂધ ઢોળવું યોગ્ય નથી,  આ દૂધ મંદિરમાં આપવું કે ગરીબોને આપવું અથવા દ્વારકાધીશની ખીર બનાવીને પ્રસાદ વિતરણ કરો. દૂધ ભૂલથી ઢોળાય તો પણ આપણે માથે ચડાવીએ છીએ. જામનગરમાં પણ રણજીતનગરમાં કૈલીસ નામની ડેરીમાં દૂધ અટકાવીને રસ્તા પર ઢોળી નંખાયું હતું તો કાલાવાડ બાયપાસ પાસે તથા પંચેશ્વર ટાવર પાસે આવેલી ત્રણ હોટલો બંધ કરાવાઈ હતી. 

બીજી તરફ પોરબંદમાં માલધારી રબારી સમાજે દૂધનું શ્વાનો અને ગૌધનને વિતરણ કરીને અનેરી રાહ ચિંધી હતી. પોરબંદરમાં દૂધ મેળવવા ગત રાત્રિના જ લોકોએ પડાપડી કરી હતી. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ, ગુંદાવાડી હોસ્પિટલના દર્દીઓને માલધારીઓએ દૂધનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું તો ગૌરીદડમાં ગરીબોને દૂધ વિતરણ કર્યાના અહેવાલ છે. 

રાજકોટના એરપોર્ટ રોડ પર દૂધ પાર્લરની દુકાન ખુલી હોય ત્યાં પંદરથી વીસ માલધારીઓનું ટોળુ ધસી ગયું હતું અને દુકાનના વેપારીએ આપેલું 7  લિટર અને પછી દુકાનમાં ઘુસીને 70 લિટર દૂધની કોથળીઓ રસ્તા પર ઢોળી દઈને નુક્શાન કર્યું હતું જે અંગે અજાણ્યા યુવાનોના ટોળા સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોધાયો છે.આ જ રીતે જામજોધપુરમાં પાટીદાર મિલ્ક નામની દુકાનમાં તોડફોડ કરીને છાશની થેલીઓ રોડ પર ફેંકી ફ્રીજને નુક્શાન કરી તોડફોડ કર્યાની ઘટના બહાર આવી છે.

તલાલામાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ સાથે બંધનું એલાન અપાયું હતું તેને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો અને દૂધની ડેરી,શાકમાર્કેટ, ચા-પાનની દુકાનો સહિતે બંધ પાળ્યો હતો.  ધોરાજી અને જામકંડોરણામાં માલધારી સમાજે દૂધ,ચાનો ધંધો બંધ રાખી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપીને જામકંડોરણામાં ઈન્દિરાનગર વિસ્તારમાં હવન યોજાયો હતો જેમાં દૂધ હોમ્યું હતું. જેતપુરમાં પણ ગૌચરના પ્રશ્ને માલધારીઓએ રેલી યોજી હતી. વિસાવદર સહિત અન્ય સ્થળોએ પણ રેલી યોજીને દૂધ વિતરણ બંધ રખાયું હતું.  રાજુલામાં દૂધનું વિતરણ સજ્જડ બંધ રાખવા માલધારીઓએ મીટીંગ યોજીને નિર્ણય કર્યો હતો અને અમલ,માહી,માવડી સહિત ડેરીઓ દ્વારા ગઈકાલે સાંજે છ વાગ્યે જ દૂધના વાહનોથી વિક્રેતા એજન્સીઓને પહોંચતું કરાયું હતું અને લોકોએ રાત્રિના જ દૂધ ખરીદી લીધું હતું. આવું રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર જોવા મળ્યું હતું. 

અમરેલી,ખાંભા, દામનગર, સાવરકુંડલા, લાઠી સહિતતાલુકામાં માલધારીઓએ આક્રોશભેર સૂત્રોચ્ચારો સાથે રેલી યોજી હતી તો રાજકોટ જિ.ના જેતપુરમાં પણ માલધારી સમાજે ગૌચરના પ્રશ્ને રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું. સાવરકુંડલામાં પણ ૧૧ માંગણીઓ સાથે રેલી યોજાઈ હતી. ખાંભા તાલુકામાં અન્ય દુકાનો,કારખાના પણ બંધ રહ્યા હતા.  સૌરાષ્ટ્રઆ ઉપરાંત માં મોરબી, જામનગર, પોરબંદર, ખંભાળિયા, રાજુલા, અમરેલી,કોટડાસાંગાણી, હળવદ, જામજોધપુર,  વિંછીયા, ગડી શેરબાગ, શેરગઢ સહિત નાના ગામથી મહાનગરોમાં દૂધ વિતરણ બંધના એલાનને વ્યાપક સમર્થન મળ્યું હતું અને તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ છે.

City News

Sports

RECENT NEWS