ગુજરાતમાં ઓનલાઇન અને સ્ટોર પર ગેરકાયદે દવાનું વેચાણ: FDCAના દરોડામાં ₹42 લાખથી વધુનો જથ્થો જપ્ત, 2 પેઢીના લાયસન્સ રદ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FDCA Raids in Gujarat Seize Illegal Drug: રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(FDCA) દ્વારા વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદે દવાઓના સંગ્રહ અને વેચાણ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરજણ અને સુરત ખાતે કુલ ચાર પેઢીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી અંદાજિત 42.6 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગેરકાયદે દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ગંભીર ક્ષતિઓ દાખવનાર 2 પેઢીઓના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.
કરજણમાં NCBની બાતમીથી દરોડો
મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCAની ટીમે કરજણ ખાતે આવેલી ‘મેસર્સ ચામુંડા ફાર્મા’ પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન NDPS ઍક્ટ હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની 13,938 બોટલો તથા ‘TRAMADOL’ની 12,240 ટેબ્લેટ્સ (કિંમત રૂ. 50 હજાર)નો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. કાયદાના ગંભીર ઉલ્લંઘન બદલ પેઢીને તાત્કાલિક સીલ કરી પહેલી ઑક્ટોબર, 2026થી તેના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી ‘મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ’ ખાતે તપાસ કરતાં ‘LOMOTIL’ ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાનું ફ્રિજ બંધ હોવા જેવી ગંભીર ક્ષતિઓ જણાતાં આ પેઢીના છૂટક વેચાણના પરવાના પણ પાંચમી ઑક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.
સુરતમાં લાયસન્સ વગર ઓનલાઇન દવા વેચાણ અને આયુર્વેદિકના નામે છેતરપિંડી
મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા(વરાછા): પહેલી ઑક્ટોબર, 2026ના રોજ દરોડો પાડતાં સામે આવ્યું હતું કે, કોઈ પણ માન્ય ડ્રગ લાયસન્સ વગર જ વેબસાઇટ દ્વારા દવાઓ વેચાતી હતી. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત 11.26 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયો છે.
મેસર્સ ક્યારા ઈન્ટરનેશનલ (મોટા વરાછા): ત્રીજી ઑક્ટોબર, 2026ના રોજ પાડવામાં આવેલા દરોડામાં 'Meesho' જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓ વેચવાનો પર્દાફાશ થયો હતો. છેલ્લા એક મહિનામાં 3.60 લાખ રૂપિયાની દવાઓ વેચાઈ હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ પણ લાયસન્સ રદ થયેલું હોવાથી આ પુનરાવર્તિત ગુના બદલ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઓનલાઈન પ્લેટફોર્મ પર 'સિક્રેટ વોચ' અને 'માઈક્રો પ્લાનિંગ'
આ અંગે આરોગ્ય પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, 'Meesho જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ કે વેબસાઇટ મારફતે આયુર્વેદિક નામે એલોપેથિક કે પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચવી ગંભીર ગુનો છે. આ પ્રવૃત્તિઓ પર નજર રાખવા સાયબર સેલ અને FDCA ની સંયુક્ત ટીમ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ ('સિક્રેટ વોચ') કરવામાં આવશે. વડોદરા અને સુરતની સંયુક્ત કાર્યવાહી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ દર્શાવે છે. માત્ર દરોડા પૂરતું મર્યાદિત ન રહેતાં માઈક્રો પ્લાનિંગ દ્વારા યુવાધનને કોડીનયુક્ત કફ સિરપ અને અન્ય નશાકારક દવાઓના દુરુપયોગથી બચાવવા વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.'




