Get The App

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર 1 - image


Kashtbhanjandev Temple Salangpur: દેશ-દુનિયામાં દિવાળીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રવિવારે (19મી ઑક્ટોબર) દાદાને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવો દિવ્ય અને ભવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ વખતે હનુમાનજીને સિલ્વર ડાયમંડ વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.



15 કિલો વજન અને હીરાનું જડતર

શ્રી કષ્ટભંજનદેવને પહેરાવવામાં આવેલા આ વિશેષ વાઘાનું વજન લગભગ 15 કિલો છે, જેમાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાની સૌથી મોટી વિશેષતા તેમાં થયેલું હીરાનું જડતર છે. વાઘામાં કુલ 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે. વધુમાં તેમાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનો પણ ઉપયોગ થયો છે. મુગટમાં 7,000 અને મોજડીમાં 3,000 ડાયમંડ જડવામાં આવ્યા છે. આ વાઘાને તૈયાર થવામાં અમદાવાદ અને કોલકાતાના કારીગરો દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી કામ કરવામાં આવ્યું હતું.

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર 2 - image

કાંચના મહેલની થીમનો શણગાર

હનુમાનજીના સિંહાસનને પણ દિવાળી નિમિત્તે કાંચમાંથી બનાવેલ મહેલની થીમથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ શણગાર તૈયાર કરવામાં કારીગરોને 4 દિવસનો સમય લાગ્યો હતો.

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર 3 - image

વાઘાની અન્ય વિશેષતાઓ

આ સંપૂર્ણ સેટમાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરોનો સમાવેશ થાય છે. વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઇન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક જેવી અદ્યતન કારીગરીનો ઉપયોગ થયો છે. કારીગરીને આકર્ષક બનાવવા માટે 24 જેટલા મોરની ડિઝાઇન તૈયાર કરાઈ છે. ખાસ જયપુરી રોડિયમ લગાડવામાં આવતા આ વાઘા આજીવન ચમકતા રહેશે.

આ પણ વાંચો: દિવાળી પૂજામાં ભૂલથી પણ આવા કપડાં ન પહેરશો! જાણો કયા રંગ અને સ્ટાઈલથી બચવું


આ દિવ્ય વાઘા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા મંદિરને અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.


Tags :