અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Subhash Bridge: અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજના સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરી તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી 2027 સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે.
સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાશે
મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી 15મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના 30 પૈકી 18 દરવાજા નવા નાખવા અને અન્યમાં રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી નદીનું પાણી છોડી દેવાશે. નદી ખાલી હોવાનો સીધો ફાયદો કોર્પોરેશનને મળશે, જેથી સુભાષ બ્રિજ તોડતી વખતે તેનો કાટમાળ નદીના પટમાં જમા કરી સરળતાથી નિકાલ કરી શકાય.

એપ્રિલમાં જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે
બ્રિજ ડિમોલિશનની પ્રક્રિયા માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. સુભાષ બ્રિજ જૂની બેલેન્સ કેન્ટી લિવર પદ્ધતિથી બનેલો હોવાથી તેના 6 સ્પાન તોડવા માટે સુરત SVNIT અથવા IIT પાસે સ્પેશિયલ મેથડ તૈયાર કરાવવામાં આવી છે. એપ્રિલ માસથી જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે. અધિકારીઓના જણાવ્યાનુસાર, નદી ખાલી હશે તે દરમિયાન જ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે જેથી ચોમાસા પહેલા પાયાનું કામ શરૂ થઈ શકે.
હાલમાં બ્રિજની આસપાસ સોઇલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નવા બ્રિજની ડિઝાઇન નક્કી કરવા માટે જમીન કેટલી ઊંડી છે અને તે કેટલો ભાર સહન કરી શકશે તેનું સાયન્ટિફિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર ઑફિસ તરફના છેડેથી ટેસ્ટિંગની શરૂઆત કરી દેવામાં આવી છે, જે નવા સ્ટ્રક્ચરના પાયા નાખવા માટે પાયારૂપ સાબિત થશે.
વાસણા બેરેજ ખાતે 'ડેમ સેફ્ટી' અંતર્ગત થનારી મરામત અને સુભાષ બ્રિજનું નવનિર્માણ, આ બંને પ્રોજેક્ટ્સ એકસાથે ચાલવાના હોવાથી આ ઉનાળામાં સાબરમતી નદી કોરી જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એવી રીતે આયોજન કરાયું છે કે નદીમાં ફરી પાણી ભરવામાં આવે તે પહેલાં જોખમી સ્ટ્રક્ચર હટાવી લેવામાં આવે, જેથી ભવિષ્યમાં બાંધકામ વખતે કોઈ અવરોધ ન આવે.








