અમદાવાદમાં સાબરમતી નદી છલકાઈ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં
Ahmedabad Sabarmati River: ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સાબરમતીમાં પાણી છોડાયું
સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નોંધનીય છે કે, ધરોઈ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થતાં તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આ પાણી સાબરતી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ સિવાય ગાંધીનગના સંત સરોવરમાંથી પણ 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને 31 હજાર ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ પંચમહાલના પાનમ ડેમમાં પાણીની 90% આવકઃ નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
રિવર ફ્રન્ટ વોક-વે કરાયો બંધ
હાલ, સાબરમતીમાં પાણીનું વહેણ વધ્યું છે. જેના કારણે નદી જોખમી બની છે. આ સિવાય આ પાણી રિવર ફ્રન્ટના વોક વે સુધી પહોંચી ગયું છે. રિવર ફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ, રિવર ફ્રન્ટ વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઈ લોકો નદીની આસપાસ કે, વોક-વે જઈ શકશે નહીં. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે.
7 લોકોનું રેસ્ક્યુ કરાયું
રવિવારે (24 ઓગસ્ટ) મહેસાણાના વડનગર તાલુકાનાં જૂની વાગડી ગામે રામાપીર મંદિર પાસે ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી 7 જેટલા લોકો ફસાયા હતા. સામે કાંઠે 2 ટ્રક સાથે 7 લોકો ફસાઇ ગયા હતા. જોકે, સમયસર એનડીઆરએફની ટીમ દ્વારા આ સાતેય લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ધરોઈ ડેમના 4 દરવાજા ખોલાયા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, ધરોઈ ડેમ હાલ 58 ટકા થી વધુ ભરાયો છે, જેમાં આજની તારીખે 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને સાબરમતી નદીમાં 58,880 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ
સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરોને જાણ કરવામાં આવી છે. સાબરમતીમાં પાણી વધતા મહેસાણા, સાબરકાંઠાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયા છે. ખેડા જિલ્લામાં સાબરમતી નદી કાંઠાના વિસ્તારના પણ એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમમાં 59 હજાર 444 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, ધરોઈ ડેમમાં હાલ 94.20 ટકા પાણીનો જથ્થો છે.
પાણીની સારી આવક
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.