સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Road Accident In Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં ગત રાતે રેતીની હેરાફેરી દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાબરીયા વીરના મંદિર નજીક ત્રણ ડમ્પરો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ભારે વાહનોને રોકવા માટે લગાવાયેલું લોખંડનું ગડર આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે.
કેબિન કાપીને મૃતદેહો બહાર કઢાયા
મળતી માહિતી અનુસાર, રાત્રિ દરમિયાન રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરો પૈકી એક ડમ્પર પહેલા લોખંડના હેવી ગડરમાં ફસાયું હતું. જે બાદ તેની પાછળ આવતા અન્ય બે ડમ્પરો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કટર વડે કેબિન કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
ગેરકાયદે અવરજવર અને તૂટેલું ગડર બન્યું કાળ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગેરકાયદે રીતે અવરજવર કરતા ભારે વાહનોને રોકવા માટે તંત્ર દ્વારા લોખંડની હેવી ગડર ફ્રેમ લગાવવામાં આવી હતી. અગાઉ કોઈ અજાણ્યા વાહને આ ગડર તોડી નાખી હતી, જેના કારણે તે જોખમી રીતે લટકી રહી હતી. અર્ધ તૂટેલી આ લોખંડની ફ્રેમ જ આજે આ ગમખ્વાર અકસ્માત માટે જવાબદાર બની છે. હાલમાં પ્રાંતિજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.








