Get The App

સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા 1 - image


Sabarkantha Violence: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં શુક્રવારે (18 ઓક્ટોબર) રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતાં હિંસા ફાટી નીકળી હતી. નજીવી બાબતે શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, હવે આ મામલે હવે સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રાંતિજ પીઆઈને બેદરકારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત

PIની બેદરકારી: એસપીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા

આ સમગ્ર ઘટનામાં મોટી જૂથ અથડામણ દરમિયાન ફરજ પરના પ્રાંતિજ પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) રશ્મિન દેસાઈની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિણામે, જિલ્લા એસપી દ્વારા પીઆઈ રશ્મિન દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા 2 - image

કેમ કરાયા સસ્પેન્ડ? 

સસ્પેન્ડ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગામમાં ઘર્ષણ થાય તે પહેલાં જ પોલીસ મથકે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, પીઆઈ દેસાઈ દ્વારા ત્રણ દિવસ અગાઉની જાણકારીને નજરઅંદાજ કરીને કોઈ પણ આગોતરા પગલાં કે નિવારક કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ પણ વાંચોઃ VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર

કરોડોનું નુકસાન: 96 વાહનોને આગચંપી, 10 મકાનોને નુકસાન

તોફાની બનેલા 110થી વધુના ટોળાએ હિંસક બનીને ગામમાં મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવીને તેમના રહેણાંક મકાનો અને વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 26 કાર, 51 બાઇક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટર સહિત 96થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 10 જેટલા મકાનોને પણ નુકસાન થતાં કરોડોનું મોટું નુકસાન થયું છે.

પોલીસે આ મામલે 60 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ અને અન્ય 50 લોકો સહિત કુલ 110થી વધુના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોની અટકાયત કરી છે અને CCTV ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ છે. હાલમાં તહેવારોની સિઝનને ધ્યાને રાખીને ગામમાં ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

Tags :