તરણેતરના લોકમેળામાં 'ગ્રામીણ ઓલિમ્પિક'નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ
Rural Olympics at Tarnetar : સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં સાતમ-આઠમના તહેવારોમાં લોકમેળા યોજાઈ છે. જ્યારે તરણેતરના લોકમેળામાં 'ગ્રામીણ ઓલિમ્પિક'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા થાનગઢ તાલુકામાં યોજાતા તરણેતરના મેળામાં ત્રણ દિવસીય '20મી ગ્રામીણ ઓલિમ્પિક'નું આયોજન કર્યું છે, ત્યારે રાજ્યભરમાંથી રમતવીરો તેમાં ભાગ લેશે.
તરણેતરના લોકમેળામાં 'ગ્રામીણ ઓલિમ્પિક'નું આયોજન
મળતી માહિતી મુજબ, તરણેતરના લોકમેળામાં આગામી 26 થી 28 ઓગસ્ટ દરમિયાન '20મી ગ્રામીણ ઓલિમ્પિક'નું તંત્રએ આયોજન કર્યું છે. જેમાં 26 ઓગસ્ટના રોજ 16 વર્ષ સુધીના ભાઈઓ-બહેનો માટે 100, 200 અને 800 મીટર દોડની સ્પર્ધા, લાંબીકુદની રમતો યોજાશે. જ્યારે ઓપન કેટેગરીના સ્પર્ધકો માટે 100, 400 અને 800 મીટર દોડ, 4*100 મીટર રીલે દોડ, લાંબીકુદ સહિતની સ્પર્ધા યોજાશે.
ત્રણ દિવસ વિવિધ કોમ્પિટિશન યોજાશે
આ ઉપરાંત, 27-28 ઓગસ્ટના રોજ અલગ-અલગ રમતો યોજાશે. જેમાં 27 ઓગસ્ટે ઓપન કેટેગરીમાં બહેનો માટે 10ની ટીમમાં વોલીબોલ અને કબડ્ડી સહિતની સ્પર્ધા થશે. જ્યારે ભાઈની સ્પર્ધામાં નારીયેળ ફેંક, વોલીબોલ, કબડ્ડી, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ યોજાશે. 28 ઓગસ્ટે ઓપન કેટેગરીના ભાઈઓ માટે 45-55, 55-68 અને 68 કિલોગ્રામ વજનની કેટેગરીમાં કુસ્તી અને 10ની ટીમમાં રસ્સાખેંચની કોમ્પિટિશન યોજાશે.
તરણેતરના લોકમેળામાં આયોજિત ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી 20 ઓગસ્ટ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મીલ રોડ-કૃષ્ણનગર સામે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આવેલી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ લેવાનું રહેશે. સ્પર્ધા સંબંધિત વધુ માહિતી 9723292271 નંબર પરથી મેળવી શકશે.