RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક?
Gujarat Education: ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ ફોર્મ ભરવાની વધારેલી મુદ્દત આજે પૂરી થઈ ગઈ છે અને આ વર્ષે 2.37 લાખથી વઘુ ફોર્મ ભરાયા છે. આવક મર્યાદા વધવાને કારણે 45 હજાર ફોર્મ વધારે ભરાયા છે.
આ પણ વાંચોઃ હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે
93 હજાર બેઠક સાથે અઢી લાખથી વધુ ફોર્મ ભરાયા
સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ પ્રવેશ માટે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં રાજ્યની 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં 25 ટકા બેઠકો પર ગરીબ, અનાથ, દિવ્યાંગ તેમજ અનામત કેટેગરી સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મેરિટ-માપદંડોને આધારે વિના મૂલ્યે પ્રવેશ અપાય છે. આ વર્ષે 93 હજાર જેટલી બેઠકો છે, જેની સામે આ વર્ષે કુલ 2,37,317 ફોર્મ ભરાયા છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના, દિલ્હી જતા પહેલાં કરશે આટલાં કામ
આવક મર્યાદા વધારાતાં ફોર્મમાં થયો વધારો
RTEમાં વાલીની આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે 1.80 લાખ અને ગ્રામ્ય માટે 1.50 લાખ હતી, જે મુજબ આ વર્ષે ફોર્મ ભરવાનું શરુ પણ થઈ ગયું હતું .પરંતુ, સરકારે ફોર્મ ભરવાની નિયત મુદ્દત પૂરી થયા બાદ આવક મર્યાદા વધારીને શહેરી-ગ્રામ્ય તમામ માટે 6 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, જેને પગલે RTEમાં ફોર્મ ભરવાની મુદ્દત વધારીને 15 માર્ચ કરવામાં આવી હતી. મંગળવારે આ મુદ્દત પૂરી થઈ ગઈ છે. આવક મર્યાદા વધાર્યા બાદ 44,994 ફોર્મ ભરાયા છે. આમ, આવક મર્યાદા વધતાં વાલીઓને ફાયદો થયો છે. પરંતુ, હજારો બાળકો બેઠકો ઓછી હોવાના કારણે પ્રવેશથી વંચિત રહેશે.