Get The App

હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે 1 - image


Housing Society Rules : કેન્દ્રીય બજેટમાં જે લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્‌સમાં માસિક 7500 રૂપિયાથી વધુ મેન્ટેનન્સ હોય તેમના પર 18 ટકા ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાની જોગવાઈ કરાઈ હતી. આ જોગવાઈનો અમલ શરૂ કરાતાં અમદાવાદમાં હજારો લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્‌સ જીએસટીની ચપેટમાં આવી ગયા છે. ગુજરાતમાં લગભગ 1 લાખથી વધારે લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્‌સ અને બંગલાઓની બનેલી હાઉસિંગ સોસાટીઓને 18 ટકા જીએસટી લાગુ પડશે. 

હાઉસિંગ સોસાયટીઓને જીએસટી નંબર મેળવી લેવા તાકીદ કરાશે

જીએસટી અધિકારીઓ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તમામ લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્‌સનો સર્વે શરૂ કરાયો છે. સાથે સાથે ક્યાં ક્યાં એપાર્ટમેન્ટ્‌સમાં માસિક 7500 રૂપિયાથી વધારે મેન્ટેનન્સ લેવાય છે તેની વિગતો એકઠી કરવા માંડી છે. તેના આધારે જે હાઉસિંગ સોસાટીઓએ જીએસટી નંબર નથી લીધા તેમને નોટિસ આપીને જીએસટી નંબર મેળવી લેવા તાકીદ કરાશે. 

એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં 3,000થી વધારે લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્‌સના રહીશોએ દર મહિને 7500 રૂપિયાના 18 ટકા એટલે કે ઓછામાં ઓછો રૂપિયા 1350 જીએસટી ભરવો પડશે. આ જોગવાઈ તમામ રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન્સ (RWA)ને પણ લાગુ પડશે તેથી બંગલાઓની હાઉસિંગ સોસાયટીમાં રહેતા રહીશોએ પણ 18 ટકા લેખે જીએસટી ચૂકવવો પડશે.   

આ પણ વાંચો: 1924માં બની હતી અમદાવાદમાં પ્રથમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, જાણો સોસાયટી વિશે અવનવી વાતો

જીએસટીના પરિપત્ર પ્રમાણે, કોઈ હાઉસિંગ સોસાયટી એટલે કે રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન (RWA)નું વાર્ષિક ટર્નઓવર રૂપિયા  20 લાખથી વધુ હોય અને કોઈ વ્યક્તિગત ફ્‌લેટ માલિક દર મહિને રૂ. 7,500થી વધુ રકમ મેન્ટેનન્સ તરીકે ચૂકવતો હોય તો 18 ટકા જીએસટી ફક્ત રૂપિયા 7,500 થી વધુની રકમ પર જ નહીં, પરંતુ સંપૂર્ણ મેન્ટેનન્સની રકમ પર લાગુ થશે. 

મતલબ કે, મેન્ટેનન્સ 9000 રૂપિયા આવતું હોય તો જીએસટી પૂરેપૂરી 9000 રૂપિયાની રકમ પર લાગુ પડશે. જે લોકો હાઉસિંગ સોસાયટી અથવા રેસિડેન્શિયલ કોમ્પલેક્સમાં બે કે તેથી વધુ રહેણાંક કે એપાર્ટમેન્ટ ધરાવતા હોય તેમણે પોતાની માલિકીના દરેક રહેણાંક એપાર્ટમેન્ટ માટે દર મહિને જીએસટી ભરવાનો રહેશે.

ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ આવશે

રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન્સ (RWA)નું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયાથી વધારે હોય અને મહિને મેન્ટેનન્સ 7500 રૂપિયાથી વધારે હોય એ તમામ સોસાયટીઓને 18 ટકા જીએસટીનો નિયમ લાગુ પડશે. મહિને 7500 રૂપિયા મેન્ટેનન્સ હોય તેથી વાર્ષિક 90 હજાર રૂપિયા મેન્ટેનન્સ થયું.  આ સંજોગોમાં 23 એપાર્ટમેન્ટ કે બંગલા હોય તો પણ ટર્નઓવર 20 લાખ રૂપિયાથી વધારે થઈ જાય તેથી મોટા ભાગનાં લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્‌સ જીએસટીની ચપેટમાં આવી જશે. 20 લાખના ટર્નઓવર પર 18 ટકા લેખે 3.60 લાખ રૂપિયા જીએસટી ભરવાનો થશે. આ ઉપરાંત જીએસટી કન્સલ્ટન્ટને રાખવાની ફી, ઓડિટરનો ખર્ચ વગેરે પણ ગણતરીમાં લો તો એપાર્ટમેન્ટનો ખર્ચ 5 લાખ રૂપિયાની આસપાસ પહોંચી જશે.

2019થી જોગવાઈ પણ હવે અમલ ફરજીયાત કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન્સ (RWA) પરનો જીએસટી નવો નથી પણ છેક 2019થી અમલમાં છે. 2018માં જીએસટીનો અમલ શરૂ કરાયો ત્યારે જ આ જોગવાઈ હતી પણ 2019માં મેન્ટેનન્સની મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કરવામાં આવી હતી.  જો કે આ નિયમને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારાયો હતો અને હાઈકોર્ટે 2023માં ચુકાદો આપ્યો હતો કે, તમામ રકમ પર જીએસટી ના લઈ શકાય. કેન્દ્ર સરકારે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકાર્યો નથી પણ ફરીથી જૂના નિયમનો અમલ કરીને હાઉસિંગ સોસાયટીઓ માટે જીએસટી નંબર લેવો અને ઓડિટિંગ કરાવવું ફરજિયાત કરી દીધું છે તેના કારણે હવે સીધો બોજ આવશે.


Tags :