ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, રૂ.50 હજારની વધારાની અપાશે સહાય
Gandhinagar News : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. 1.20 લાખ ની સહાય ચૂકવવામાં આવતી હતી. જેમાં આવાસના નિર્માણ માટે હવે 50 હજારની વધારાની સહાય અપાશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ સહાયમાં
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટેના વપરાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારોના કારણે થતાં પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં રૂ.50 હજાર વધારાની જાહેરાત છે, ત્યારે વર્ષ 2025-26ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે કુલ 1.10 લાખ લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને સાથે રૂ.550 કરોડની ફાળવણી કરવામાં આવી છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે રૂ.30000, બીજા હપ્તા પેટે રૂ.80000, ત્રીજા હપ્તા પેટે રૂ.50000 તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે રૂ.10000 થઈને કુલ રૂ. 1.70 લાખની સહાય અપાશે. જેમાંથી રૂ. 98000ની સહાય રાજ્ય સરકાર તેમજ રૂ. 72000 સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. ચાલુ વર્ષે આ યોજના હેઠળ 11606 લાભાર્થીઓને રૂ.58 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.'