Ahmedabad

અમદાવાદ: માણેક ચોકમાં ₹1.51 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, એરફોર્સનો અધિકારી જ નીકળ્યો મુખ્ય સૂત્રધાર!

By GS Team
26 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત સોના-ચાંદીના બજાર માણેકચોકમાં આશરે બે વર્ષ અગાઉ ધોળે દિવસે વેપારી પર ફાયરિંગ કરી 1.51 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાની ચકચારી ઘટનાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ખાડિયા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનાનો માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ નહીં, પરંતુ ભારતીય વાયુસેના (IAF)નો એક કોર્પોરલ કક્ષાનો જવાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે દિલ્હી એરફોર્સ સ્ટેશનમાંથી આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: માણેક ચોકમાં ₹1.51 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, એરફોર્સનો અધિકારી જ નીકળ્યો મુખ્ય સૂત્રધાર!

Ahmedabad News: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત સોના-ચાંદીના બજાર માણેકચોકમાં આશરે બે વર્ષ અગાઉ ધોળે દિવસે વેપારી પર ફાયરિંગ કરી 1.51 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાની ચકચારી ઘટનાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ખાડિયા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનાનો માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ નહીં, પરંતુ ભારતીય વાયુસેના (IAF)નો એક કોર્પોરલ કક્ષાનો જવાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે દિલ્હી એરફોર્સ સ્ટેશનમાંથી આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

16 જુલાઈ 2024 ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ ખાડિયા વિસ્તારમાં ફર્નાન્ડીઝ બ્રિજ નજીક આવેલા 'સોની હિંમતમલ શંકરલાલ જ્વેલર્સ'માં એક નકાબપોશ શખસ ત્રાટક્યો હતો. તેણે બંદૂકની અણીએ શોરૂમમાંથી સોનાની ચેઈન, વીંટીઓ, સોનાના બિસ્કિટ, 10 કિલો ચાંદીની પાટ અને રોકડ મળી કુલ રૂ. 1.51 કરોડની મત્તા લૂંટી લીધી હતી. આ દરમિયાન પ્રતિકાર કરતાં લૂંટારાએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ફરિયાદીના પિતાના પગમાં ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.

જામનગરની ચોરીથી ખૂલ્યો લૂંટનો ભેદ

બે વર્ષથી વણઉકેલાયેલા આ કેસમાં પોલીસને તાજેતરમાં જ એક મહત્ત્વની કડી હાથ લાગી હતી. ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, માણેકચોક લૂંટમાં જે હથિયાર વપરાયું હતું તે જામનગર જિલ્લાના એક ઘરમાંથી ચોરાયેલી 'સર્વિસ રિવોલ્વર' હતી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝોન-3 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ખાડિયા પોલીસની ટીમોએ કડીઓ જોડી તપાસ શરૂ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

દિલ્હી એરફોર્સ બેઝમાંથી આરોપી ઝડપાયો

પોલીસ તપાસમાં ખૂલ્યું કે, શંકાસ્પદ શખસ ગુના સમયે જામનગર એરફોર્સ યુનિટમાં ફરજ બજાવતો હતો અને હાલમાં તેની બદલી દિલ્હી થઈ ગઈ છે. પોલીસની એક ટીમ તાત્કાલિક દિલ્હી રવાના થઈ હતી અને તુઘલકાબાદ ખાતે આવેલા 7 બેઝ રિપેર ડેપોમાંથી આરોપી દીપક રમેશ પ્રતાપસિંહ ભૂકર (ઉં.વ.31, મૂળ રહે. ઝજ્જર, હરિયાણા)ને દબોચી લીધો હતો. તેની બેરેકમાંથી લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

મિલિટરી ટ્રેનિંગનો દુરુપયોગ અને પૂર્વ આયોજિત કાવતરું

એરફોર્સનો જવાન હોવાના કારણે દીપક શાર્પ શૂટિંગ અને હથિયારો ચલાવવામાં માહિર હતો. પકડાઈ જવાથી બચવા માટે તેણે અત્યંત શાતિર મગજનો ઉપયોગ કર્યો હતો.
તેણે હોટેલોમાં રોકાવા માટે એક નકલી ઓળખપત્ર (Aadhaar Card) અને બોગસ નામનું સિમકાર્ડ વાપર્યું હતું. ઘટનાસ્થળે ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે તેણે પોતાની આંગળીઓ પર મેડિકલ બેન્ડેજ વીંટી દીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ પોલીસને ભ્રમિત કરવા તેણે કપડાં બદલી નાખ્યા હતા અને ભાગવા માટે એક પછી એક એમ 4 અલગ-અલગ રિક્ષાઓ બદલી હતી.

જામનગરમાં પણ ગુનાહિત ઇતિહાસ

આરોપી દીપક ભૂકર સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હાફ મર્ડર તેમજ જામનગરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સર્વિસ રિવોલ્વરની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અગાઉ જામનગરની કોર્ટ દ્વારા તેને ચેક રિટર્નના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ તેની સામે અન્ય ગુના નોંધાયેલા છે.

પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ લૂંટના નાણાં અને સોનું ક્યાં છુપાવ્યું છે તેમજ દેશમાં અન્ય કોઈ જગ્યાએ તેણે આવી લૂંટ આચરી છે કે કેમ તે દિશામાં સંયુક્ત તપાસ શરૂ કરી છે.