Get The App

વડોદરામાં કોર્પોરેશનની જમીન પર દબાણ બદલ યુસુફ પઠાણ પાસેથી 17 કરોડ વસૂલવા પડે

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં કોર્પોરેશનની જમીન પર દબાણ બદલ યુસુફ પઠાણ પાસેથી 17 કરોડ વસૂલવા પડે 1 - image


Yusuf Pathan News : વડોદરામાં વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે વોર્ડ નં.3, ટીપી સ્કીમ નં.3, ફાઇનલ પ્લોટ નં.381ની સરકારી જમીન પર બનેલા 25 વર્ષ જૂના પશુપતિનાથ મહાદેવ મંદિરને લેન્ડ ગ્રેબિંગની નોટિસ તંત્ર દ્વારા અપાઇ છે, પરંતુ ક્રિકેટર અને તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણે કોર્પોરેશનની જમીન પર દબાણ કર્યું હોવા છતાં લેન્ડ ગ્રેબિંગની નોટિસ અપાઇ નથી.

યુસુફે કોર્પો.ની 84 કરોડની 975 ચો.મી. જમીન ઉપર 12 વર્ષથી દબાણ કર્યું છે 

વડોદરામાં તાંદળજા વિસ્તારમાં ટીપી-22ના ફાઇનલ પ્લોટ નં.90ની કોર્પોરેશનની માલિકીની 10,500 ચોરસ ફૂટ જમીન પર દબાણ કર્યું છે અને આ માટે 6 મહિના અગાઉ ફરિયાદ કરી હોવા છતાં યુસુફ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ નહીં કરતા વિશ્વામિત્રી બચાવો સમિતિએ મ્યુનિ.કમિશનરને ફરી લેખિત રજૂઆત કરી છે. હાલ તાંદળજામાં ચાલતા જમીનના ભાવ ગણતા યુસુફે જે જમીન દબાવી છે, તેની કિંમત 84 કરોડ થાય છે. 

આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી

સમિતિના કહેવા મુજબ અગાઉ ભાજપના જ પૂર્વ કોર્પોરેટરે યુસુફના ગેરકાયદે દબાણને તોડવા લેખિત ફરિયાદ કરી હતી અને હાલના એક કોર્પોરેટર તો કલેકટર કચેરીએ યુસુફ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા પહોંચી ગયા હતા.

યુસુફે 12 વર્ષથી લેન્ડ ગ્રેબિંગ કર્યું છે, તેવો આક્ષેપ કરતા સમિતિ જણાવે છે કે તેમણે 18 જૂન 2024ના રોજ હાઇકોર્ટમાં આ મુદ્દે દાવો દાખલ કર્યો છે. હાઇકોર્ટે આ જ સુધી વડોદરા કોર્પોરેશનને દબાણ દૂર કરવા મુદ્દે સ્ટે આપેલો નથી, એટલે કે કોર્પોરેશન દબાણ તોડી શકે તેમ છે. જો કે આ મુદ્દે કોર્પોરેશનના વર્તુળો કહે છે કે આખો મામલો સબજ્યુડિસ હોવાથી આ મામલે હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

કોર્પોરેશને તેની માલિકીના પ્લોટ માટે જે ભાડું નક્કી કર્યું છે તે ચોરસ મીટરે પ્રતિદિન રૂા.40 છે. યુસુફે પાલિકાના પ્લોટ પર જે દબાણ કર્યું છે, તે અંદાજે 975 ચોરસ મીટર છે. એટલે કે પ્રતિદિન ભાડુ 39000 રૂપિયા થાય. 12 વર્ષથી યુસુફે દબાણ કર્યું છે. 12 વર્ષના 4380 દિવસ ગણતા અંદાજે 17 કરોડ લેવાના થાય. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી 100 કરોડ જેવી રકમ માટે બોન્ડ બહાર પાડવા પડે છે. 

બીજી બાજુ યુસુફ સામે દંડનીય કાર્યવાહી કરી 17 કરોડ વસૂલાતા નથી, તેવી રજૂઆત પણ સમિતિએ કમિશનરને કરી છે. જો યુસુફ પાસેથી ભાડું અને દંડનીય વ્યાજ નહીં લેવાય તો મહાદેવ મંદિરને લેન્ડ ગ્રેબિંગ નોટિસ અને યુસુફ પર કૃપાદ્રષ્ટિ મુદ્દે જનજાગૃતિ કાર્યક્રમ યોજવાની ચીમકી સમિતિએ આપી છે.

Tags :