દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી
Dahod MNREGA scam : દાહોદ જીલ્લામાં મનરેગા કૌભાંડમાં નવો ફણગો ફુટ્યો છે. સ્થાનિકોનો આરોપ છેકે, જો આ પ્રકરણની વધુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, ગરીબ મજૂરોના આધારે જોબકાર્ડ બનાવી લાખો રૂપિયાની કટકી કરવામાં આવી હોવાનું મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. એટલુ જ નહીં, મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટ અધિકારી જ નહી, દાહોદ જિલ્લાના ભાજપના સ્થાનિક નેતાઓની પણ સંડોવણી ખુલે તેવી સંભાવના છે.
આદિવાસીઓના દસ્તાવેજો આધારે બારોબાર લાખો રૂપિયા મેળવી લેવાયા
દાહોદ જીલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં તળાવ ઉંડાં કરાયાં નથી, હેન્ડપંપ રિપેર થયા નથી, ચેકડેમ કે મેટલના રસ્તા બનાવાયા નથી તેમ છતાંય રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીઓને બારોબાર લાખો રૂપિયા ચૂકવી દેવાયાં છે. સ્થાનિકોમાં ચર્ચા છેકે, તળાવ, ચેકડેમ, રસ્તા સહિતના કામોમાં ગરીબ મજૂરોને કામ આપીને રોજગારી આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે પણ સવાલ એ છેકે, વિકાસના કામો થયાં નથી. તો મજૂરોએ કામ શું કર્યુ હશે.
આ પણ વાંચો: બે પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડ 'સંપર્કવિહોણા', સચિવાલય-સરકારી કાર્યક્રમોમાં જવાનું બંધ કર્યું
એવુ જાણવા મળ્યુ છેકે, ઘણાં વખતથી દાહોદ જીલ્લામાં મંત્રીપુત્રોની એજન્સીને મનરેગાના કામો અપાતા હતાં ત્યારે સ્થાનિક નેતાઓએ ગરીબ આદિવાસીઓને સરકારી યોજનાનો લાભ મળશે તેવા પ્રલોભન આપી દસ્તાવેજો મેળવી લીધા હતા. એટલુ જ નહી, મનરેગાના જોબકાર્ડ બનાવી મજૂરોના એટીએમ કાર્ડ પણ મેળવી લીધાં હતાં. ગરીબ આદિવાસીઓની જાણ બહાર બેંકના એટીએમમાંથી બારોબાર રકમ મેળવી લેવાઇ છે. સ્થાનિકોનું કહેવુ છેકે, દાહોદ જીલ્લાના ભાજપના એક સ્થાનિક નેતાની મુખ્ય ભૂમિકા રહી છે જેની પાસે ગરીબ આદિવાસીઓના મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ હોવાનું કહેવાય છે. આમ, ગરીબ આદિવાસીઓને રોજગારી પુરી પાડતી મનરેગા યોજનામાં મજૂરીના નામે કટકી કરાઇ છે.