સાણંદ લૂંટ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી શાંતિપુરા સર્કલથી નાસી ગયો
પોલીસ રિમાન્ડ પુરા થતા સેન્ટ્રલ જેલમાં મુકવા જતા હતા
ઉલ્ટી થતા પોલીસવાન રોકાવીને નજર ચુકવીને ફરાર થયો સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

અમદાવાદ,રવિવાર
સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનના એક લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બે દિવસના રિમાન્ડ બાદ જેલમા મુકવા માટે પોલીસવાનમાં લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે ઉલ્ટી થઇ હોવાનું નાટક કરીને શાંતિપુરા સર્કલ પાસે વાનને ઉભી રખાવ્યા બાદ નજર ચુકવીને નાસી ગયો હતો. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના કલોલમાં રહેતા ભવાનસિંહ ચૌહાણ સિક્યોરીટી ગાર્ડ તરીકે સાણંદ નજીક આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. ગત ૧૧મી તારીખે તે રીક્ષામાં બેસીને અમનનગર તરફ જતા હતા ત્યારે રીક્ષાચાલક અને પેસેન્જર તરીકે બેઠેલો યુવક તેમને અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા. જ્યાંથી રોકડ અને અન્ય મતાની લૂંટ કરી હતી. આ અંગે સાણંદ પોલીસે અવિનાશ ચુનારા અને વિજય ચુનારાની ધરપકડ કરી હતી. જેમાં અવિનાશને શ્વાસની તકલીફ હોવાથી તેની સારવાર કરાવીને બે દિવસના રિમાન્ડ બાદ તેને સેન્ટ્રલ જેલ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે શાંતિપુરા સર્કલ પાસે તેને ઉલ્ટી થતા પીએસઆઇ જી જી સોલકી અને સ્ટાફે વાન ઉભી રાખી હતી. આ દરમિયાન વાનની બહાર આવતા તે નજર ચુકવીને નાસી ગયો હતો. ત્યારે પોલીસે એક કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો. જો કે તે હાથ લાગ્યો નહોતો. આ અંગે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

