Bus accidents: ચાલુ સપ્તાહમાં ગુરુવાર ગમખ્વાર અકસ્માતનો દિવસ બની ગયો! શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવ્યા બાદ પરત લક્ઝરી બસનો અકસ્માત થતાં શાળા પ્રશાસન અને વાલીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. વલસાડના પારડી નજીક દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રવાસ બસને અકસ્માત નડ્યો છે. બીજી તરફ વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ ગોથું ખાઈ ગઈ છે.
ડમ્પરે અચાનક બ્રેક મારતાં 5 વાહનો અથડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર હાઇવે પર ચાલતા ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી લક્ઝરી બસની ટક્કર થઈ હતી. જે બાદ જોત જોતામાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાઇ ગયા હતા. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત બસ ચાલક તેમજ શાળાના સ્ટાફને પણ મૂઢ માર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વાલીઓના જીવ તાળવે ચોંટયા
દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓને દમણ પ્રવાસ લઈને ગઈ હતી. જે બાદ પરત ફરતા બસને અકસ્માત નડ્યો છે. બનાવના સમાચાર મળતા બસમાં હાજર વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભીષણ અકસ્માત સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.
ખાનગી બસની પલટી, 30ને ઈજા
બીજી તરફ વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં અંદાજિત 30 મુસાફરો સવાર હતા જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ રહી છે.


