ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે

| (AI IMAGE) | 
Housewives Suicide Rate: ગુજરાતમાં ગૃહિણીઓમાં આત્મહત્યાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દરરોજ સરેરાશ પાંચ મહિલા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં થયેલી કુલ આત્મહત્યામાં ગૃહિણીનું પ્રમાણ 20 ટકા જેટલું છે. આવતીકાલે 'ગૃહિણી દિવસ' છે ત્યારે ગૃહિણીમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં 5 વર્ષમાં 8717 ગૃહિણીઓની આત્મહત્યા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 8717 ગૃહિણીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આમ, ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાંથી કુલ 24048 ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી. જેમાં તામિલનાડુમાં સૌથી વધુ 3080, મધ્ય પ્રદેશમાં 2637, મહારાષ્ટ્રમાં 2373, પશ્ચિમ બંગાળમાં 1984 ગૃહિણીઓની આત્મહત્યાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી
દહેજની માંગણી અને માનસિક ત્રાસ મુખ્ય કારણ
વર્ષ 2023માં સૌથી વધુ ગૃહિણીઓની આત્મહત્યાના મામલે ગુજરાત સમગ્ર દેશમાં સાતમાં સ્થાને છે. ગૃહિણીઓની આત્મહત્યા માટે મુખ્યત્વે સાસરિયા તરફથી દહેજ માગવા ઉપરાંત માનસિક ત્રાસ જવાબદાર પરિબળ હોય છે. મનોચિકિત્સકો મતે પણ માનસિક આરોગ્યની હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ જે દર્દીઓ આવે છે તેમાંથી 60 ટકા મહિલાઓ હોય છે. ગર્ભાવસ્થા બાદ કે પ્રિમેનોપેઝલ તબક્કો, પરિવાર સાથે તાલમેલ, ઘરની જવાબદારીને કારણે કારકિર્દી નહીં ઘડી શકવા જેવા પરિબળોથી ડિપ્રેશનની સમસ્યા તેમનામાં વધારે જોવા મળે છે.

