અમદાવાદ પ્લેન ક્રેશઃ અમરેલીની રિદ્ધિ પડસાલાની અંતિમયાત્રા નીકળી, લોકોએ ભીની આંખે આપી વિદાય
Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં અમરેલીની દીકરી અને રાજકોટ સાસરે રહેતી રિદ્ધિ પડસાલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જેના પગલે અમરેલી સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લંડનમાં સ્થાયી થયેલી રિદ્ધિ પડસાલા તેના પિયર અમરેલી ખાતે દોઢ મહિનાથી પિતાને મળવા આવી હતી અને અમદાવાદથી લંડન પરત જવા પ્લેનમાં નીકળી હતી. ત્યારે આ ગોઝારી દુર્ઘટનાનો ભોગ બની હતી.
પરિવારજનોનાં હૈયાફાટ રુદન વચ્ચે અંતિમયાત્રા નીકળી
દુર્ઘટના બાદ રિદ્ધિ પડસાલાના DNA મેચ થતા તેમના પાર્થિવ દેહને અમરેલી લાવવામાં આવ્યો હતો. બુધવારે (18મી જૂન) શોકપૂર્ણ માહોલમાં તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા યોજાઈ હતી. આ અંતિમયાત્રામાં સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સૌ કોઈની આંખોમાં આંસુ હતા અને રિદ્ધિના અકાળ અવસાનથી શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
રિદ્ધિ પડસાલાના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ દુઃખદ ઘડીમાં સમગ્ર અમરેલી પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે અને સૌ કોઈ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે જઈએ કે, 12મી જૂને અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જોકે, એક વ્યક્તિ જીવિત રહી હતી. આ અકસ્માતમાં ન ફક્ત વિમાનમાં સવાર વ્યક્તિઓના મૃત્યુ થયા, પરંતુ જે બિલ્ડિંગ પર વિમાન પડ્યું તેની આસપાસ હાજર લોકોના પણ મોત નીપજ્યા હતા.