રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ?
Image: Instagram |
Gondal Anirudhsinh Jadeja: ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988માં ધ્વજ વંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળીઓ ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં સજા માફી આપવાના નિર્ણયને તાજેતરમાં જ હાઇકોર્ટે ગેરકાયદે જાહેર કરી 4 અઠવાડિયામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલ સત્તાધીશો સામે સરન્ડર કરવા આદેશ કર્યો છે.
અમિત ખૂંટ કેસમાં પણ આરોપી ફરાર
આ સ્થિતિમાં અનિરૂદ્ધસિંહ જાડેજા 4 અઠવાડિયાને સરન્ડર કરશે કે, કેમ તે બાબતે ચર્ચાઓ થઈ રહી છે. જો કે તે હાઇકોર્ટના આદેશ પહેલા જ રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે. જેને આજે ચારેક મહિના જેવો સમય થઈ ગયો છે. તેને પકડવા માટે એલસીબી અને ગોંડલ તાલુકાની અડધો ડઝન ટીમો મથી ચૂકી છે. પરંતુ આજ સુધી સફળતા નથી મળી. જેના કારણે અમિત ખૂંટના પરિવારજનો પણ અનેક સવાલો ઉઠાવી ચુકયા છે.
પોલીસ તપાસમાં હજુ સુધી નથી મળ્યું કોઈ નક્કર લોકેશન
પોલીસના જણાવ્યા અનુસાર, અનિરૂદ્ધસિંહ જાડેજાનું આજ સુધીની તપાસમાં કોઈ લોકેશન મળ્યું જ નથી. અગાઉ અનેક વખત રાજસ્થાન જતા હોવાની માહિતી હોવાથી ત્યાં એકવાર ટીમ ગઈ હતી. જો કે, સફળતા મળી ન હતી. આજ સુધી કોઈ લોકેશન મળ્યું જ ન હોવાથી પોલીસની ટીમો રાજસ્થાન સિવાય કયાંય મોકલવામાં આવી નથી. આમ છતાં હાલ તે ભારતમાં જ હોવાની શકયતા છે.
રાજદીપસિંહ જાડેજા પણ વોન્ટેડ
તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા પણ અમિત ખૂંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે. તેનું પણ કોઈ ચોકકસ લોકેશન આજ સુધી મળ્યું નથી. આમ છતાં તે વાયા નેપાળ થઈ દુબઈ ભાગી ગયાની માહિતી મળી છે. જેની આજ સુધી ખરાઈ થઈ શકી નથી. અનિરૂદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહ માટે પોલીસે લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરાવી હતી. પરંતુ તે પહેલાં રાજદીપસિંહ નેપાળ રસ્તેથી દુબઈ ભાગી ગયાની શકયતા છે.
આ પણ વાંચોઃ અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
અમિત ખૂંટ આપઘાત કેસમાં રહિમ મકરાણી પણ મહત્ત્વનો આરોપી છે. તે પણ આજ સુધી પકડાયો નથી. તેને પકડવા પોલીસની ટીમો રાજસ્થાન, યુપી, હરિયાણા અને દિલ્હી સુધી જઈ આવી છે. પરંતુ સફળતા મળી નથી. આ ત્રણેય આરોપીઓને પકડવા માટે એલસીબીની ચારેક ટીમો હજુ પણ કસરત કરી રહી છે. બીજી બાજુ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજય સરકારે સ્પે. પબ્લિક પ્રોસિકયુટરની નિમણૂક કરી છે.