મહેસૂલના કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી જશે
સરકારી કચેરીઓમાં મહેસૂલને લગતી કામગીરીને થનારી અસર

વડોદરા, તા.29 મહેસૂલ વિભાગના નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલીના હુકમો રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાળના બીજા તબક્કામાં કાલે કર્મચારીઓ સામ સીએલ પર ઉતરી જતા મહેસૂલી કામગીરીને અસર થશે.
મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઇએ. જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનુ એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઇએ. ઉપરાંત વર્ષ-૨૦૧૫ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઇએ તેમજ વર્ષ-૨૦૧૨ના નાયબ મામલતદારોની સિનિયોરિટિ યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિધ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઇએ.
કર્મચારીઓની વિવિધ માંગણીઓ સાથે આજે પરશુરામ જયંતિની રજા ભોગવ્યા બાદ મહેસૂલી કર્મચારીઓ કાલે માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે જેના પગલે મહેસૂલને લગતી કામગીરીને અસર થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ તા.૯મીએ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા બાદ તા.૨૨મીએ કાળી પટ્ટી ધારણ કરી હતી પરંતુ સરકાર દ્વારા હજી સુધી કર્મચારીઓના પ્રશ્નો બાબતે કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી.

