રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ આજે માસ સીએલ પર, વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ
Revenue Department: ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ છેલ્લા દસ વર્ષથી નહીં સંતોષાતા આજે (30મી ઓપ્રિલ) માસ સીએલ પર ઉતર્યા છે. ત્યારે રાજ્યના વિવિધ મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જો આગામી દિવસોમાં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલની ચીમકી અગ્રણીઓએ કરી છે. નોંધનીય છે કે, એનએથી માંડી રેશનકાર્ડ સહિતના કામગીરી બંધ રહેતા કામ અર્થે સરકારી કચેરી ખાતે આવતા લાભાર્થીઓને ધક્કો ખાવો પડ્યો હતો.
કર્મચારીઓએ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો
મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતાં રાજકોટ, વડોદરા જિલ્લાની તમામ કચેરીઓમાં કામગીરી બંધ રહી હતી. રાજ્ય મહેસૂલી કર્મચારી છેલ્લા ઘણાં સમયથી સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા, બઢતી તેમજ અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને પાછા લાવવા માટેની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ના આવતી હોય આજે કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતર્યા હતા. કોઠી કચેરી ખાતે કર્મચારીઓ ભેગા પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં આપઘાતના 3 બનાવ, એક આઘેડ સહિત બે યુવાને જીવન ટુંકાવ્યું
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો જેવા કે બદલીમાં અન્યાય ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશનમાં વિસંગતતા સહિતના પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી અદ્ધરતાલ લટકી રહ્યા હોય જે ઉકેલવાની માંગણી સાથે મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા અગાઉ આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી આ મામલે સરકાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરાતા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા બુધવારે કામગીરીથી અળગા રહી માસ સીએલ પર જવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.
સરકારનું હકારાત્મક વલણ
ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદારોના મામલતદાર તરીકેના પ્રમોશનનો અટકેલા છે ભરતી બદલી સિનિયોરીટી સંદર્ભે હાલ માત્ર માસ સીએલ પર મહેસૂલ કર્મચારીઓ ઉતર્યા છે પરંતુ આગામી દિવસોમાં સરકાર નજીવી માંગણીઓ બાબતે હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવશે. મહેસૂલી કર્મચારીઓની માસ સીએલના કારણે કલેક્ટર કચેરીનું સમગ્ર વહીવટી તંત્ર સ્થગિત થઈ ગયું છે. મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે સરકાર હકારાત્મક વલણ દાખવે તેવી આશા વડોદરા મહેસૂલી કર્મચારી સંઘના ઉપપ્રમુખ રાખી રહ્યા છે.