Get The App

બાળકની આંખમાં આ લક્ષણ દેખાય તો હોય શકે છે આંખોના પડદાંનું કેન્સર, જાણો સારવારથી લઈને જોખમ સુધીની માહિતી

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
બાળકની આંખમાં આ લક્ષણ દેખાય તો હોય શકે છે આંખોના પડદાંનું કેન્સર, જાણો સારવારથી લઈને જોખમ સુધીની માહિતી 1 - image



Retinoblastoma Week: બાળકની આંખમાં સફેદ ચમક અથવા રિફલેક્શન દેખાય, રંગને ઓળખવામાં સમસ્યા નડતી હોય, સફેદ ભાગમાં લાલાશ, આંખો ફફડતી હોય કે આંખોમાં દુઃખાવો અને સોજો રહેતો હોય તો ચેતી જવાની જરૂર છે. તબીબી ભાષામાં તેને રેટિનોબ્લાસ્ટોમા અને સરળ ભાષામાં તેને આંખોના પડદાનું કેન્સર કહેવામાં આવે છે. ભારતમાં રેટિનોબ્લાસ્ટોમાના દર વર્ષે 1500 નવા કેસ નોંધાય છે. 


'રેટિનોબ્લાસ્ટોમા સપ્તાહ'ની ઉજવણી 


દર વર્ષે 12 થી 17 મે 'રેટિનોબ્લાસ્ટોમા સપ્તાહ' તરીકે ઉજવવામાં આવે છે. રેટિનોબ્લાસ્ટોમા એ એક પ્રકારનું કેન્સર છે, જે આંખના રેટિનામાં થાય છે. રેટિના એ આંખના પાછળના ભાગમાં ચેતાકોષોનું પાતળું પડ છે. આ એક અથવા બંને આંખને અસર કરી શકે છે. આ એક રોગ છે, જે જન્મ પછી તરત જ વિકસે છે. એ એટલું ખતરનાક છે કે આંખની સાથે જીવ પણ છીનવી શકે છે.


આ પણ વાંચોઃ રાજકોટમાં પોણો કલાકમાં દોઢ ઈંચ વરસાદ, માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા


સમયસર સારવાર જરૂરી


રેટિનોબ્લાસ્ટોમા આંખના રેટિના પર નાની ગાંઠ તરીકે શરૂ થાય છે. એ કદમાં ખૂબ જ ઝડપથી વધે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો આંખ અને દ્રષ્ટિ બંનેને નુકસાન થાય છે. શરૂઆતના દિવસોમાં ગાંઠ આંખ સુધી જ સીમિત રહે છે, પરંતુ જો એની સારવાર ન કરવામાં આવે તો ગાંઠ આંખની બહાર ફેલાઈ શકે છે અને મગજ જેવા શરીરના ઘણા ભાગો તેમજ  હાડકાં સુધી પહોંચી જાય છે.


રેટિનોબ્લાસ્ટોમાની તપાસ કઈ રીતે થાય છે? 


એનેસ્થેસિયા આપીને આંખના કેન્સરની તપાસ કરવામાં આવે છે. આંખની તપાસ એમઆરઆઈ સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ વડે કરવામાં આવે છે. જે દર્દીઓને કીમોથેરાપીની જરૂર હોય છે, તેમના આરોગ્યની તપાસ સૌપ્રથમ બાળ નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.


રેટિનોબ્લાસ્ટોમાની સારવાર શક્ય છે? 


સારવાર શક્ય છે, પરંતુ એ મહત્ત્વનું છે કે તેને સમયસર શોધી કાઢવું જોઈએ. પ્રારંભિક તબક્કામાં આ કેન્સરની સારવાર સામાન્ય રીતે લેસર અને કીમોથેરાપી દ્વારા કરવામાં આવે છે, જે મોટે ભાગે દર્દીનો જીવ, આંખ અને પ્રકાશ બચાવે છે.


રેટિનોબ્લાસ્ટોમાં જીનેટિક થવાનું જોખમ 


સામાન્ય રીતે 5 વર્ષથી નીચેનાં બાળકોમાં આ કેન્સરનું જોખમ વધારે હોય છે. જોકે, કેટલીકવાર મોટાં બાળકો પણ એનાથી પ્રભાવિત થઈ શકે છે. જો માતા-પિતા, ભાઈ-બહેનને આંખનું કેન્સર હોય તો જન્મેલા બાળકમાં રેટિનોબ્લાસ્ટોમાનું જોખમ 50% સુધી વધી જાય છે અથવા તે ગર્ભાશયમાં ઊછરી રહેલા બાળકમાં કેટલાંક પોષકતત્ત્વોની અછતને કારણે થાય છે


સિવિલ હોસ્પિટલની એમ એન્ડ જે ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજીનાં ડૉ. વિલહેમિના અંસારીએ જણાવ્યું કે, રેટિનોબ્લાસ્ટોમામાં વહેલું નિદાન ખૂબ જ જરૂરી છે. બાળકમાં તેના લક્ષણ દેખાય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રેટિનોબ્લાસ્ટોમા હોય તો કિમો, પડદના નસની એન્જિયોગ્રાફી સહતિની સારવાર આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં અમારે ત્યાં દર વર્ષે 40થી વધુ કેસ નોંધાતા હોય છે. આ પૈકી ગયા વર્ષે 18 જેટલા બાળકોની આંખ કાઢવી પણ પડી હતી. બાળકની આંખ કાઢ્યા બાદ તેમની દ્રષ્ટિ ફરી આવી શકતી નથી.’







Tags :