Gujarat

જામનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે ગયેલા વધુ 2 તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી આલમમાં ખળભળાટ

By GS Team
8 May 20202 mins read
This article was originally published on 8 May 2020
જામનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે ગયેલા વધુ 2 તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી આલમમાં ખળભળાટ

જામનગર, તા. 8 મે 2020, શુક્રવાર

જામનગરની મેડીકલ કોલેજના 24માંથી 18 જેટલા તબીબી વિદ્યાર્થીઓ અને 6 પ્રોફેસર સહિત 24 તબીબોની ટુકડીને જામનગરની જી.જી હોસ્પિટલથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની લડતમાં સેવા આપવા માટે મોકલવામાં આવી હતી. જેઓની એક સપ્તાહની સેવા દરમિયાન 4 તબીબો કોરોના વાયરસથી સંક્રમિત બની ગયા છે. ગઈકાલે 2 તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આજે વધુ 2 તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચારેય તબીબોની અમદાવાદમાં સારવાર ચાલી રહી છે. જ્યારે બાકીના 20 તબીબોની ટુકડી જામનગર પરત ફરી છે. અને જુદા- જુદા સ્થળો પર તમામને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાંથી 18 તબીબી વિદ્યાર્થીઓ ઉપરાંત 6 પ્રોફેસર સહિતની 24 તબીબોની ટુકડી આજથી 10 દિવસ પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મદદ માટે પહોંચી હતી. જ્યાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સૌપ્રથમ 2 તબીબો ડો.જીલ પટેલ અને ડૉ. કેતન મકવાણા કોરોના વાયરસથી સંક્રમિત બની ગયા હતા. જ્યારે અન્ય 3 તબીબોના રિપોર્ટ પેન્ડિંગ રખાયા હતા. જે પૈકી ડો. કિંજલ નારીયા તેમજ ડો. પ્રિયંક બત્રાના પણ આજે પોઝીટીવ રીપોર્ટ આવતા જામનગરના તબીબી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જે ચારેય કોરોના સંક્રમિત તબીબોને અમદાવાદની મેરિયટ હોટેલમાં રાખવામાં આવ્યા છે.

જ્યારે બાકીના 6 મેડિકલ પ્રોફેસરો અને 14 રેસિડન્ટ તબીબો જામનગર પરત ફર્યા છે. જેમાં 6 પ્રોફેસરોને લાખાબાવળ નજીક નેચરોપેથી સેન્ટરમાં એક સપ્તાહ માટે કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત 14 રેસિડેન્ટ તબીબોને જામનગરના મેડિકલ કેમ્પસના ડીન બંગલો એરિયામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને એક સપ્તાહ માટે કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

ગઈકાલે મેડિકલ કોલેજમાંથી વધુ 24 તબીબોની ટુકડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે રવાના કરવામાં આવી હતી. જે તમામ 6 મેડિકલ પ્રોફેસરો અને 18 રેસિડન્ટ તબીબો અમદાવાદ પહોંચી ગયા છે. અને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજમાં જોડાઈ ગયા છે.