સાબરગામથી કડોદરા સુધીના સર્વિસ રોડ ઉપરના દબાણો દુર કરો

- ભેસ્તાનમાં નવું પોલીસ મથક બનાવવા માંગણી: જન પ્રતિનિધિના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ કરવા ટકોર
સુરત
સુરત જિલ્લા સંકલનની આજે મળેલી બેઠકમાં ઉધના પોલીસ સ્ટેશન નવુ બનાવવાની તથા ભેસ્તાનમાં નવુ પોલીસ સ્ટેશન શરૃ કરવાની ધારાસભ્યો દ્વારા માંગણી કરાઇ હતી. તો કોવીડમાં મૃત્યુ પામેલા પરિવારના વારસદારોને સહાય અંગે ઘટતુ કરવા રજુઆત થઇ હતી.
અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન ખાતે આજે જિલ્લા કલેકટર આયુષ ઓક ના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને ટકોર કરી હતી. બેઠક દરમ્યાન બારડોલી દસ્તાન ફાટક પાસે બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી સાઇટ પરથી વાહનો જઇ શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજુઆત કરાઇ હતી.
સાબરગામથી કડોદરા સુધીના સર્વિસ રોડ પરના દબાણો દૂર કરવા રજૂઆત કરાઇ હતી. તો સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનનું નવુ ભવન બનાવવા તથા ભેસ્તાનમાં નવુ પોલીસ સ્ટેશન બનાવવા માટે માંગ કરાઇ હતી.




