Get The App

ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે 1 - image

બાળકો ડોગને લઇને ગમે ત્યાં નીકળી શકશે નહીં

૨૦૦ રૃપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવશે ઃ તૈયાર કરાયેલી દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી

ગાંધીનગર :  અમદાવાદ શહેરની જેમ હવે ગાંધીનગરમાં પણ પેટ ડોગનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે તૈયાર કરવામાં આવેલી પોલિસીને આજે સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરી દેવામાં આવી હતી. જે માટે રજીસ્ટ્રેશન ફી ૨૦૦ રૃપિયા નિયત કરવામાં આવી છે જ્યારે ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ જ પેટ ડોગને બહાર લઈ જઈ શકશે જેવી શરતો પણ રાખવામાં આવી છે.

એક વર્ષ અગાઉ અમદાવાદના રામોલ- હાથીજણ વિસ્તારની સોસાયટીમાં પાલતુ કૂતરાએ સોસાયટીમાં બાળકી પર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં બાળકીનું મોત થવાની ઘટના પછી હવે અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે સીએનસીડી વિભાગ દ્વારા નવી પોલિસી પણ તૈયાર કરવામાં આવી હતી. જેને આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, આ પોલીસી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર માલિકો માટે પણ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિ જ પેટ ડોગને લઇને બહાર નીકળી શકશે. એટલે કે બાળકો ડોગને લઇને ગમે ત્યાં નીકળી શકશે નહીં. ગાંધીનગરમાં પણ સોસાયટીઓમાં લોકો મોટા પ્રમાણમાં પેટ ડોગ રાખતા થયા છે ત્યારે પેટ ડોગ દ્વારા સોસાયટીના અન્ય રહિશોને કરડવાના કે અન્ય પ્રકારે પજવણીના કિસ્સા ન બને તે માટે રજિસ્ટ્રેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરને રેબિશ ફ્રી બનાવવાના ભાગરૃપે આ કવાયત હાથ ધરાઇ છે. પોલિસીની સૂચિત જોગવાઇઓ મુજબ ગાંધીનગર શહેરમાં પેટ ડોગ રાખનારે મહાનગરપાલિકામાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ૨૦૦ રૃપિયા જેટલી રજિસ્ટ્રેશન ફી ભરવાની જોગવાઇ પણ રાખવામાં આવી છે. આ સાથે ડોગ અને તેના માલિકનો ફોટોગ્રાફ, આધાર કાર્ડ, વેરા બિલ સહિત રહેણાંકના પુરાવા સાથે નિયત ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શ્વાનના માલિકે શ્વાનને વખતો વખત એન્ટી રેબીશ વેક્સિન મૂકાવવાની રહેશે અને તેનું સર્ટીફિકેટ પણ મહાનગરપાલિકાને રજૂ કરવાનું રહેશે.

 પેટ ડોગ દ્વારા અન્ય વ્યક્તિને કરડવાના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ થશે

કોર્પોરેશન દ્વારા પેટ ડોગ માટે તૈયાર કરાયેલા નિયમોમાં જાહેર સ્થળો ઉપર પેટ ડોગ દ્વારા ગંદકી કરવામાં આવશે તો તેના માલિક પાસેથી ૫૦૦ રૃપિયા દંડ પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પેટ ડોગ દ્વારા અન્ય કોઈ પ્રાણી કે વ્યક્તિને કરડવાના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.