હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા
Rain In Ahmedabad: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) વિવિધ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) અમદાવાદમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. જેમાં શહેરના બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઇટ અને પકવાન ચાર રસ્તા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં જણાવ્યાનુસાર, છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાતમી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવે સૂચના આપી હતી. મુખ્ય સચિવએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ ઍલર્ટ કરવા જણાવ્યું હતું.