ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી
Rain Red Alert in Gujarat: હવામાન વિભાગ દ્વારા છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ અને અન્ય જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના મુખ્યસચિવે વીડિયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટરો સાથે બેઠક યોજી
ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યસચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશ્નર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે ઍલર્ટ રહેવા સૂચન આપી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં જણાવ્યાનુસાર, છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાતમી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી. મુખ્ય સચિવએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ ઍલર્ટ કરવા જણાવ્યું હતું.
અધિકારી-કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના
પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ ઍલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી.
રવિવારે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરઓને સૂચન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ શનિવારે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવએ તમામ જિલ્લા કલેક્ટરઓને જણાવ્યું હતું.
વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તહેનાત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સીઝનનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.