જામનગરમાં રેડ એલર્ટ વચ્ચે સેવક ધુણીયા ગામે વીજળી પડતા 2 શ્રમિકના મોત, 2 દાઝ્યાં
Jamnagar News : ગુજરાતમાં આજે (3 જુલાઈ) મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના 11થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યુ છે. જેમાં આગામી ત્રણ કલાક દરમિયાન 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 20થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે જામનગરમાં રેડ એલર્ટ વચ્ચે સેવક ધુણીયા ગામે વીજળી પડતા 2 શ્રમિકના મોત, 2 દાઝ્યાં હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં વીજળી પડતાં 2ના મોત
આજે ગુરુવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે જામનગરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં લાલપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મેઘગર્જના સાથે ભારે વરસાદી માહોલ વચ્ચે લાલપુરના સેવક ધુણીયા ગામે વીજળી પડતાં બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
6 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (3 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.