બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવનારા અમદાવાદ ફાયરના આઠ અધિકારીઓને શો-કોઝ નોટિસ

બે ડીવીઝનલ ઓફિસર,પાંચ સ્ટેશન ઓફિસર,એક સબ ઓફિસરનો સમાવેશ

Updated: Aug 26th, 2023


Google NewsGoogle News

     બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવનારા અમદાવાદ ફાયરના આઠ અધિકારીઓને શો-કોઝ નોટિસ 1 - image

  અમદાવાદ,શુક્રવાર,25 ઓગસ્ટ,2023

બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા આઠ અધિકારીઓને મ્યુનિ.તંત્રે શો-કોઝ નોટિસ ફટકારી છે.બે ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો જવાબ કરવા આદેશ કરાયો છે.

દેશભરમાં બોગસ સ્પોન્સરશીપના આધારે વિવિધ રાજય અને શહેરોના ફાયર વિભાગમાં નોકરી મેળવનારાઓની ચાલેલી તપાસ બાદ અમદાવાદ ફાયર વિભાગમાં પણ બોગસ સ્પોન્સરશીપના આધારે કેટલાક અધિકારીઓએ નોકરી મેળવી હોવાનુ બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી.દરમિયાન વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો પણ નિર્ણય મ્યુનિ.તંત્ર તરફથી કરવામા આવતો હતો.

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ,શુક્રવારે અમદાવાદ ફાયર વિભાગમાં ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈનાયત શેખ ઉપરાંત ઓમ જાડેજાની સાથે સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શુભમ ખડીયા, અભિજિત ગઢવી, સુધીર ગઢવી, અનિરુધ્ધસિંહ ગઢવી અને મેહુલ ગઢવી તેમજ સબ ઓફિસર આસિફ શેખ પૈકી મોટાભાગના અધિકારીઓને શો-કોઝ નોટિસ બજાવાઈ ગઈ છે.એક-બે અધિકારી મળ્યા નહી હોવાથી આજે શનિવારે શો-કોઝ નોટિસ બજાવાશે.બોગસ સ્પોન્સર શીપના આધારે ફાયર વિભાગમાં નોકરી મેળવનારા અધિકારીઓ વગ ધરાવતા હોવાથી સાત દિવસમાં શો-કોઝ નોટિસનો જવાબ નહી આપે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું નિર્ણય કરે છે એ જોવાનુ રહેશે.

અભિજિત ગઢવી મ્યુનિ.ફાયર વિભાગ અને સરકાર બે જગ્યાએ ફરજ બજાવે છે

અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર તરીકે એક સમયે ફરજ બજાવતા અભિજિત ગઢવીની સરકારમાં રીજીયનલ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક થતા તેમણે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પોતાનુ રાજીનામુ આપ્યુ હતુ.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના કહેવા મુજબ,અભિજિત ગઢવીનુ રાજીનામુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજુર કર્યુ નથી.મ્યુનિ.તંત્રે અભિજિત ગઢવીને પણ અમદાવાદ ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવવા બદલ શો-કોઝ નોટિસ આપી છે.આ પરિસ્થિતિમાં એક જ વ્યકિત અમદાવાદ ફાયર વિભાગ તથા રાજય સરકારમાં રિજીયનલ ફાયર ઓફિસર તરીકે ફરજ કેવી રીતે બજાવી શકે એ પ્રકારની ચર્ચા ફાયર વિભાગ વર્તુળોમાંથી સાંભળવા મળી છે.


Google NewsGoogle News