અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ
Ahmedabad News : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જમીન દલાલનું અપહરણ કરીને રૂ. 52.50 લાખની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી આરોપી સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવારે (ઉં.વ.35) કસ્ટડી ટ્રાન્સફર દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર છીનવીને પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સમગ્ર મામલે કેસમાં સંડોવાયેલા 6 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે આજે સોમવારે (15 સપ્ટેમ્બર) તમામ આરોપીનું ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અને હાલ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો સંગ્રામસિંહ અનેક ગુનાઓનો આરોપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી અને દારૂબંધીના કાયદા હેઠળ ઓછામાં ઓછા નવ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે ભૂતકાળમાં અનેક હત્યાઓ સાથે પણ સંકળાયેલો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વસ્ત્રાલથી ધોળા દિવસે 43 વર્ષીય જમીન દલાલનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી રૂ.52 લાખ મુદ્દામાલની લૂંટ કરી હતી. સમગ્ર ઘટનામાં જમીન દલાલના કૌટુંબિક ભાણિયા ઋષિએ જ મામાને લૂંટવા માટે વસ્ત્રાલના સંગ્રામસિંહ નામના શખ્સને ટીપ્સ આપી હતી. આ પછી આરોપીઓએ જમીન દલાલનું અપહરણ કરીને લૂંટને અંજામ આપ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના આરોપીએ PIની રિવોલ્વર છીનવી કર્યું ફાયરિંગ
અમદાવાદ શહેરના વટવાના રહેવાસી અજય સુરેન્દ્રસિંહ રાજપૂત વસ્ત્રાલથી મેમાડપુરાના સંતોષીનગર પાસેના તેમના પ્લોટ તરફ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. તેવામાં 1 વાગ્યાની આસપાસ જૂના કબીર મંદિર પાસે કેટલાક શખ્સોએ તેમને કાળા રંગની ઇનોવા કારથી રસ્તો રોકીને હુમલો કર્યો હતો. ત્યારબાદ ટોળકીએ જમીન દલાલને બળજબરીથી વાહનમાં બેસાડીને લઈ ગયા હતા અને છરી બતાવીને 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અપહરણ અને લૂંટની ફરિયાદ મામલે પોલીસે સંગ્રામ સિકરવાર, શિવમ ઉર્ફે કાકુ, સુરજ ચૌહાણ, સેજુ અને અમન ભદોરિયા અને ફરિયાદીનો ભાણિયા ઋષિની ધરપકડ કરી હતી.